અમદાવાદઃ એક બાજુ ગૂગલ અને મેટા જેવી મોટી-મોટી મલ્ટિનેશનલ કંપનીઓ હજ્જારો કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે શું તમે વિશ્વાસ કરી શકો છો કે એક IT કંપની ઇનામમાં કાર ગિફ્ટ આપે? પણ હા, આ સાચું છે. અમદાવાદની એક કંપનીએ આવું કર્યું છે. કંપનીએ તેના 13 કર્મચારીઓને નવી કાર આપીને તેમને પ્રોત્સાહન આપ્યું છે.
અમદાવાદ સ્થિત IT કંપની ત્રિદ્ ટેક હાલના દિવસોમાં લાઇમલાઇટમાં છે. કંપનીએ હાલમાં સ્થાપનાનાં પાંચ વર્ષ પૂરાં કર્યાં છે. કંપનીએ પ્રગતિની ક્રેડિટ કર્મચારીઓને આપતાં 13 મોંઘી કાર આપી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રમેશ મારાંડે કહ્યું હતું કે તેમની કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં જે કંઈ હાંસલ કર્યું છે. એ કર્મચારીઓની આકરી મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓની આકરી મહેનત અને પ્રતિબદ્ધતાને સન્માનિત કરવા માટે ઇનામ આપ્યું છે. અમે કંપનીનો નફો કર્મચારીઓની સાથે શેર કરવામાં વિશ્વાસ કરીએ છીએ.
તેમણે કહ્યું હતું કે આ હજી તો પ્રારંભ છે અને ભવિષ્યમાં કર્મચારીઓ માટે આવી અનેક પહેલ કરીશું. આ પ્રકારની પહેલથી કર્મચારીઓ કંપની માટે વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહિત થશે. કંપનીમાં સાત વર્ષથી કામ કરી રહેલા ધ્રુવ પટેલે કહ્યું હતું કે સામાન્ય રીતે IT કર્મચારીઓ વધુ સેલેરી માટે 1-2 વર્ષમાં નોકરી બદલી નાખે છે. એટલે કંપનીએ દાખલો બેસાડ્યો છે કે કોઈ કંપનીમાં કર્મચારી આકરી મહેનત કરે તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હજી થોડા સમય પહેલાં સુરતના હીરાના વેપારી સાવજી ધોળકિયાએ કર્મચારીઓને દિવાળી પર કાર ગિફ્ટ કરી હતી.