અમદાવાદઃ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં ભૂતપૂર્વ શિક્ષિકા શુભા ભાવેશ ગોડબોલેને એક્યુટ મેલોઇડ લ્યુકેમિયાની બીમારી છે, જે એક પ્રકારનું જીવનઘાતક બ્લડ કેન્સર છે. વર્ષ 2009માં ઉદગમ સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાનાર શુભાને બે મહિના પહેલાં જ્યારે તેમના પરિવારને તેમની બીમારી વિશે જાણ થઈ ત્યારે સૌકોઈ આઘાતમાં સરી પડ્યાં હતાં. તેમને અમદાવાદના એક ખાનગી કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ડોક્ટરોએ અમને કહ્યું હતું કે તેમની સારવાર જટિલ રહેશે, જેમાં કેમોથેરાપી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અને બીજી જરૂરી સારવાર કરવી પડશે. આનો અંદાજિત ખર્ચ રૂ. 35 લાખ જેટલો થશે. અમારા જેવા સામાન્ય પરિવારને આટલી મોટી રકમ ભેગી કરવી ખૂબ મુશ્કેલ હતી, છતાં બચતમાંથી અને લોન લઈને અમે જેમતેમ કરીને રૂ. 10 લાખ ભેગા કર્યા હતા. બાકીની રકમ માટે લોકોની મદદ લેવા મેં ક્રાઉડસોર્સિંગ પ્લેટફોર્મ પર જઈને અપીલ કરી હતી, એમ શુભાનાં દીકરી વૈશાલી ગોડબોલેએ જણાવ્યું હતું. શુભાની બીમારીના સમાચાર ઉદગમ સ્કૂલની એક ટીમ સુધી પહોંચ્યા, જે અગાઉ સ્કૂલમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓનો રેકોર્ડ્સ જાળવવાનું કામ કરે છે. પોતાની સ્કૂલના જ શિક્ષકની આવી સ્થિતિ જાણી આ ટીમ તરત જ હરકતમાં આવી ગઈ અને તમામ વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મેસજ મોકલીને શક્ય એટલી નાણાકીય સહાય પૂરી પાડવા અપીલ કરી હતી.
એક દિવસ સ્કૂલની ટીમને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી કોલ આવ્યો, જે હાલ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ છે. તેમણે આ શિક્ષિકાની બીમારી વિશે પૂછપરછ કરી અને તેમનું નામ, પરિવાર, નાણાકીય સ્થિતિ કે મેડિકલ રિપોર્ટ્સ પણ જોયા વિના જ સીધી રૂ. પાંચ લાખની સહાય કરવાનો નિર્ણય લીધો હતો. આટલી મોટી રકમની મળેલી સહાયથી શિક્ષિકાના પરિવારજનો સહિત અનેક લોકોએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું અને તેની પ્રશંસા કરી હતી. નામ ન આપવાની શરતે સિનિયર એડવોકેટે આ ઉમદા પહેલ અંગે જણાવ્યું હતું કે હું આને ચેરિટી નહીં પણ મારી નૈતિક જવાબદારી માનું છું. મને જ્યારે સમાચાર મળ્યા કે ઉદગમના એક શિક્ષિકા એક જીવલેણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં છે ત્યારે મેં તરત જ વિચાર કરી લીધો કે મારે તેમના માટે જે શક્ય બને તે કરવું છે.
અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાંથી એક જાણીતાં મહિલા ડોક્ટર છે અને બીજા એક પ્રસિદ્ધ બિલ્ડરનાં પુત્રી છે, તેમણે પણ વ્યક્તિગત રીતે રૂ. 50,000ની સહાય કરી છે. ઉદગમ સ્કૂલના દરેક શિક્ષકે પણ વ્યક્તિગતપણે કમસે કમ રૂ. 500ની સહાય પૂરી પાડીને સમાજમાં અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ અંગે ટિપ્પણી કરતાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન શિક્ષકોએ એક પળનોય વિચાર કર્યા વિના મદદનો હાથ લંબાવ્યો અને રૂ. 10 લાખથી વધુનું ફંડ એકત્રિત કર્યું તેમાં અમારી સંસ્થાનાં મૂલ્યો તથા ઉદારતાનું પ્રતિબંબ ઝળકે છે. બીમાર શિક્ષિકાની સારવારના ખર્ચમાં જે રકમ ખૂટતી હશે તે પૂરી પાડવા અમે ઉદગમ સ્કૂલ તરફથી વચનબદ્ધ છીએ.