મહેસાણા– જિલ્લાના લાંઘણજમાં એક અનોખી ઘટના બની. માત્ર બાર વર્ષની એક બાળકીની ઈચ્છા તો હતી કે પોલીસ અધિકારીનું પદ મેળવવું પણ એઈડ્સની અસાધ્ય બીમારીથી પીડાતી હોવાને લીધે એની એ ઈચ્છા પૂરી થવાની કોઈ શક્યતા નહોતી. જોકે આવા જ બાળદર્દીઓ માટે કામ કરતી અમુક સંસ્થા દર્દીઓની આવી ઈચ્છાઓ પૂરી કરવા માટે મહેનત કરતી હોય છે તો બીજી તરફ પોલીસ કે અન્ય સત્તામાં પણ એમની ઈચ્છાને પૂરી કરવા આનંદભેર માર્ગ મોકળો કરી આપતા હોય છે.
મહેસાણાની વિહાન પ્રોજેક્ટ અને અમદાવાદની ગુજરાત એઈડ્સ અવરનેસ એન્ડ પ્રિવેન્શન યુનિટ દ્વારા ગુજરાત પોલીસના ‘સુરક્ષા સેતુ સોસાયટી’ ઉપક્રમ અંતર્ગત મળી આ આયોજન પાર પાડવામાં આવ્યું. પરિણામે, એક દિવસપૂરતી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે એ બાળકીની ઈચ્છા પૂરી થઈ શકે ને એને જોનારા સહુની આંખ હરખથી ઊભરાઈ આવી. બાળકીની ઈચ્છા હતી એ પ્રમાણે તેને ખાખી કપડાં પહેરાવી પોલીસના વેશમાં સજ્જ કરવામાં આવી.
હાથમાં સ્ટીક પકડાવી. કમરમાં પિસ્તોલ ભરાવીને અસલ પોલીસ અધિકારી બનાવી હતી. ત્યારબાદ એણે પોલીસના નિયત ક્રમ પ્રમાણે પી.એસ.આઈ.ની સલામી ઝીલી હતી અને અંતેખુરશી પર બેસીને વિદ્યાર્થીઓને પણ સંબોધ્યા હતા. બાળકીને પોલીસ અધિકારીની ગાડીમાં બેસી વિસ્તારમાં ફેરવવામાં પણ આવી હતી. લાંઘણજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.પટેલ અને સ્ટાફનો આ પહેલમાં મહત્વનો સહયોગ રહ્યો હતો.