જરૂરીયાત વગર સહાય મેળવતા પહેલા આ વાંચી જજો…

અમદાવાદ: આપદાના આ સમયમાં કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ- પરિવાર ભુખ્યુ ન રહે તે માટે વહીવટી તંત્ર સંવેદનશીલતાપૂર્વક કામ બજાવી રહ્યું છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન-રહેઠાણ-મેડિકલ સારવાર એમ બહુઆયામી સુવિધાઓ અપાઈ રહી છે, પણ કેટલાક સાધન સંપન્ન પરિવારો પણ તંત્ર પાસેથી આવો લાભ લેવાની માનસિકતા રાખતા હોય છે. આવા લોકો સામે તંત્રએ લાલ આંખ બતાવી છે.

આ કિસ્સાની વિગત એવી છે કે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દિપકભાઈ શાહ તથા તેમના પત્ની કિરણબેન શાહે ૧૭/૦૪/૨૦૨૦ના રોજ કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં રજૂઆત કરી ઘરે જમવાનું નથી તેવી લેખિત નોંધ કરાવી હતી. સંવેદનશીલ તંત્રએ તરત જ વેજલપુર સીટી મામલતદાર કચેરીને સત્વરે ફુડ પેકેટ/ભોજન/રાશન કીટ આપવા સૂચના આપી હતી.

જો કે આ કીટ આપવા પહોંચેલી ટીમે પૂછ્પરછ કરતા જાણવા મળ્યું હતું કે, કિરણબહેન તો નિવૃત શિક્ષિકા છે. તેમનો પુત્ર હાલ ચેન્નાઈ ખાતે સારા પગારની નોકરી કરે છે અને તેઓ જે માલિકીના ફ્લેટમાં રહે છે તેની બજાર કિંમત આશરે રૂપિયા ૧ કરોડ હોવાનું જણાયું હતું. વધુમાં તેઓને એપીએલ-૧ કાર્ડ ઉપર એક-બે દિવસ પહેલા જ મફત અનાજનો જથ્થો પણ મળ્યો હતો. એટલું જ નહી, તેમના રસોડામાં અનાજ, કઠોળ, તેલ, મસાલાનો પૂરતો પુરવઠો પણ ઉપલબ્ધ હતો!


આ અંગેની વિગતો આપતા પશ્ચિમ વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર જે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, હાલના આપત્તિ (DISASTER) ના સમયમાં બહાર પડાયેલા જાહેરનામા અંતર્ગત કોઈપણ ઈસમ રાહત, સહાય તેમજ આપત્તિ સંબંધી બીજા લાભો મેળવવા માટે જાણીજોઈને તે દાવો ખોટો હોવાનું જાણવા છતા તેવો દાવો કરે તો તે The Disaster Management Act-2005 કલમ-૫૨ હેઠળ ૨ (બે) વર્ષની કેદની શિક્ષા અને દંડની શિક્ષાને પાત્ર તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૪૨૦ હેઠળ છેતરપિંડી, ઠગાઈનો ૭ (સાત) વર્ષની કેદ અને દંડની શિક્ષાને પાત્ર ફોજદારી ગુનો બને છે.

આ દંપતીને પણ આ અંગર્ગત નોટીસ આપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]