અમદાવાદઃ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારા વ્યક્તિને દંડ આપવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગમે તે જગ્યાએ થૂંકે છે અને અસ્વચ્છતા ફેલાવે છે તો તે વ્યક્તિ કેમેરામાં કેદ થઈ જાય છે અને તેને દંડ ભરવો પડે છે. ત્યારે 6 મે થી 12 મે સુધી જાહેરમાં થૂંકનારા 412 લોકો પાસેથી AMC તંત્રએ 48,700 રુપિયાનો દંડ વસૂલ્યો છે.
આ ઉપરાંત જાહેરમાં પેશાબ કરનારા 137 લોકો પાસેથી 11,350 રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બાદલ 1000 લોકો પાસેથી 5,98,850 રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્યારે આમ સરેરાશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2640 લોકો પાસેથી કુલ 12,54,150 રુપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી થોડાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જાહેરમાં થૂંકનાર કે પેશાબ કરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. તો આ તરફ ટ્રાફિકને લઈને પણ નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આખા અમદાવાદમાં હવે કેમેરા ગોઠવી દેવામાં આવ્યાં છે અને જે વ્યક્તિ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો પ્રતીત થાય કે તરત દંડ ફટકારવામાં આવે છે.