અમદાવાદ– અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલની શરુઆત સાથે શહેરીજનોને ઈસવીસનના નવા વર્ષના વધામણાં હરખભેર થાય તેવા કેટલાક નજરાણાં પણ મળ્યાં છે. સીએમ વિજય રુપાણીએ આ પ્રસંગે રાજ્ય સરકારની સામાન્ય જનસુખાકારી અને વિકાસકાર્યોની રુપરેખાથી ઉપસ્થિતોને અવગત કરાવ્યાં હતાં.આ કાર્નિવેલને અમદાવાદ મહાનગરે લાઈટ પાણી ગટરથી આગળ વધીને સામાન્ય ગરીબ પરિવારો માટે મનોરંજન આનંદ પ્રમોદનું માધ્યમ બનાવ્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. દર વર્ષે કાર્નિવલમાં નવા નવા નજરાણા જોડીને લોકો માટે પ્રવાસન સ્થળ આ કાર્નિવલને સફળ બનાવવાના પ્રયાસની તેમણે સરાહના કરી હતી.
આ વર્ષના કાંકરીયા કાર્નિવલના નવા નજરાણાં તરીકે એ.સી. કોચ, બેટરી ઓપરેટર કાર, જેટ સ્કીઈંગ, સ્પોર્ટ બાઈક, રાઈડ્સ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ઈ સ્વચ્છ બિંબ વગેરેનું લોકાર્પણ કરાયું હતું.
તેમની સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સીએમે જણાવ્યું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીને સુવિધા સગવડ આપવા જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે ત્વરિત નિર્ણયો અને લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સૌના સાથ સૌના વિકાસને સાકાર કર્યો છે.
એક દસકાથી કાકરિયા કાર્નિવલની ઉજવણીમાં રાજયની સંસ્કૃતિ-સંસ્કારિતા અને વિકાસની ઝલક દેખાય છે. રાજ્યનું મહાનગર અમદાવાદ હવે વિકાસના નવા આયામો સિદ્ધ કરી રહ્યું છે. અમદાવાદ શહેરને બેસ્ટ હેરિટેઝ એવોર્ડ ઉપરાંત મહાનગરપાલિકાને ટ્રાફિક ઈમ્પ્રુવમેન્ટ અને આઈ.આઈ.એમ.એસ. માટે એવોર્ડ મળ્યો છે.
શહેરની શોભા એવા રિવરફ્રન્ટ ઉપરાંત શહેરી પ્રજા માટે પાણી, ડ્રેનેજ, કોમ્યુનિટી સેન્ટર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્ટાફ ક્વાર્ટ્સ, ફાયર સ્ટેશન ઓવરહેડ ટાંકી જેવાં સંખ્યાબંધ કામોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયા છે. તેના પગલાં શહેરીજનોની પાયાની જરૂરિયાતો સંતોષવા મહાનગરપાલિકાએ કમર કસી છે. આજે અટલઘાટ, ટોપ ટ્રેનમાં એ.સી. કોચ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ વગેરે કાર્યાન્વિત કર્યાં છે.
આ પ્રસંગે ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ અને તેમના યોગદાન દર્શાવતી એક ફિલ્મનું પણ નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત અટલઘાટ ફિલ્મ નિદર્શન અને અમદાવાદ ફેસ્ટિવલના થીમ સોંગને પણ લોન્ચ કરાયું હતુ. સાથે સાથે હોપ ઓન-હોપ ઓફ સિટી ટૂર બસનો પણ પ્રારંભ કરાયો હતો.