અમદાવાદ- જયંતી ભાનુશાળીની હત્યાના હાઇપ્રોફાઇલ કેસમાં હત્યારા પૂણેના સૂરજીત ભાઉ અને એક શાર્પ શુટર એટીએસના સકંજામાં આવી ગયા હતાં. જ્યારે ગઇકાલે શુક્રવારે આ હત્યાના કાવતરામાં સંડોવાયેલી મનિષા ગોસ્વામીને કચ્છમાંથી પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે. ત્યારે જયંતી ભાનુશાળીનાં પરિવારે અજાણ્યા વ્યક્તિઓથી જીવનાં રક્ષણ માટે અરજી કરી છે.
જયંતી ભાનુશાળીનાં પરિવારને મુંબઇથી અજાણી વ્યક્તિ ફોન પર મારી નાખવાની ધમકી આપી રહ્યો છે તેવી ફરિયાદ નોંધાવી છે. જેના કારણે પરિવાર આજે પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ પહોંચ્યાં હતાં. તેમણે જીવનાં રક્ષણ માટે અરજી કરી છે.
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જયંતી ઠક્કરની પણ પૂછપરછ થઇ રહી છે. અબડાસા તાલુકાના ડુમરા ગામના વતની જયંતી ઠક્કર અને ભાનુશાળી વચ્ચે મિત્રતા હતી. બાદમાં જમીનોના વ્યવહારોના કારણે બન્નેના સંબંધોમાં તિરાડ પડી હતી. છેલ્લે ભાનુશાળીની સેક્સસીડી બહાર આવી ત્યાં સુધી બન્ને વચ્ચે દુશ્મનાવટ હતી. બાદમાં અચાનક જ સમાધાન થઈ ગયું હોવાનો પ્રચાર ઠક્કર દ્વારા કરાતો હતો. હાલ કચ્છ જિલ્લા સહકારી બેન્કમાં ડાયરેક્ટર છે. તાથા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતીમાં ચેરમેન રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં જયંતી ભાનુશાળી એચ-1 કોચના જી કુપેમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે સમયે ટીસી તથા એટેન્ડન્ટ બાજુના ઈ કુપેમાં બેઠા હતા. રાત્રે 12.55 વાગ્યે બે પૈકી એક હત્યારાએ જોરજોરથી દરવાજો ખખડાવતા જયંતી ભાનુશાળીએ દરવાજો ખોલ્યો હતો. તેમની અને હત્યારાઓ વચ્ચે ગુજરાતી ભાષામાં રકઝક થઈ હતી. તે સમયે સહપ્રવાસી ઉંઘવાનો ડહોળ કરીને પડી રહ્યો હતો.