અમદાવાદ: કોરોનાના વધતા સંક્રમણને પગલે જિલ્લા પ્રશાસન ખૂબ સક્રિય પણે કામગીરી કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધે નહીં તે માટે સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં કોરનાનો પોઝિટિવ કેસ આવતા અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલમાં પણ એ પરિસ્થિતિ ન ઉભી થાય તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા એ વિશેષ તકેદારી લઈને સમગ્ર હોસ્પિટલને વિહિકલ માઉન્ટેડ મશીનથી સેનેટાઈઝ કરવામાં આવી હતી.
જિલ્લાના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલમાં કાર્યરત ડોક્ટરો તથા નર્સને પણ રોગનો ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ એ ખાસ તાકીદ કરી હતી અને તેમની સુચનાને પગલે તંત્ર દ્વારા વિહિકલ માઉન્ટેડ સેનીટાઇઝેશન મશીન ખરીદવામાં આવ્યું છે.
આ નવું મશીન ફોગિંગ અને સેનિટેશન એમ બે રીતે કામ કરે છે. આજે અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલને સમગ્ર તયા રીતે અંદરથી અને બહારથી આ મશીન દ્વારા સેનીટાઇ કરવામાં આવી હતી.