અમદાવાદ- અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો આઠમો ફલાવર શોને આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો. વર્ષ ૨૦૧૩થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ પહેલાના વર્ષોમાં ફ્લાવર શો નિહાળવા માટે દર્શકોને એક રૂપિયાનો પણ ખર્ચો નહતો કરવો પડ્યો. પરંતુ આ વર્ષે ફ્લાવર શો જોવા માટે તમારે વ્યક્તિદીઠ ૧૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે.
આજથી શરૂ થયેલ ફ્લાવર શોમાં અલગ-અલગ પ્રકારના ફ્લાવર્સ જોવા મળશે. ઓર્કીડ, ઈંગ્લીશ ગુલાબ, કાર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમિંગો, મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, ચરખો, ચશ્મા વગેરે જેવી કુલ ૫૦થી વધુ લાઈવ સ્કલપચર જોવા મળશે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવતા મહેમાનો પણ ફ્લાવર શોની મુલાકાત લઈ શકે તે માટે આ વર્ષે થોડું મોડું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે પુખ્તો માટે 10 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જ્યારે બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરીયામાં 7.50 લાખ રોપાનું પ્રદર્શન કરાયું છે.
આ વર્ષે ફ્લાવર શોમાં લાઈવ કિચન ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર રહેશે. જેમાં 200 ચોરસ મીટરની જગ્યામાં 300થી વધારે કુંડા મુકીના તેમાં ટામેટાં, મરચા, દૂધી જેવા શાકભાજી અને ફળ રોપાના માધ્યમથી કેવી રીતે ઉછેરી શકાય તે સમજાવવામાં આવશે.
ફ્લાવર શોમાં ફોટોગ્રાફી માટે ખાસ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવશે. જેમાં ફુલોમાંથી બનાવેલા પાંડા તથા હાર્ટ શેપનો સમાવેશ થાય છે. ફ્લાવર શો શહેરીજનોમાં ભારે લોકપ્રિય બન્યો છે.
ગત વર્ષના ફ્લાવર શોમાં અંદાજે 18થી 20 લાખ લોકો ઊમટ્યા હતા. આ વર્ષે ફ્લાવર સોમાં એન્ટ્રી ફી રખાઇ છે તેમજ તેના દિવસો પણ ઘટાડીને સાત દિવસ કરાયા હોવા છતાં દશ લાખથી વધુ શોખીનો ફ્લાવર શોની મુલાકાત લેશે તેવી ચર્ચા છે.
ફલાવર શોમાં ખાણીપીણી માટે 50 જેટલા ફૂડ સ્ટોલ્સ ઊભા કરાયા છે. ઉપરાંત વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે લોકો જાણકારી મેળવી શકે તે માટે દસ પધ્ધતિઓ બનાવવામાં આવી છે.