અમદાવાદ: રહસ્યમય બ્રહ્યાંડમાં દરેક ક્ષણે અનેક ફેરફારો થાય છે. જેમાં કુદરતી રીતે વાતાવરણમાં થતી ગતિવિધિ અનોખા દ્રશ્યો સર્જે છે. ગ્રહણ પણ પૃથ્વી અને જીવ સૃષ્ટિ પર અલગ જ છાપ છોડે છે. ગ્રહણની જીવ સૃષ્ટિ પર અસરો પણ વર્તાય છે. 26 ડિસેમ્બરની સવારે સૂર્યગ્રહણનો યોગ સર્જાયો. સૂર્યગ્રહણનો નજારો જ્યાં જોવા મળ્યો, એ શહેરો અને વિસ્તારોમાં વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોએ ભરપૂર માણ્યો. અમદાવાદ શહેરના વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની છત પર અદભૂત આકાશી ઘટનાને જોવા વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો એકઠા થયા હતા.
એકદમ અત્યાધુનિક ટેલિસ્કોપ જેમાં સૂર્યગ્રહણને અનુરુપ ફિલ્ટર લગાવી આકાશી ઘટનાનો નજારો સૌએ માણ્યો હતો. વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં સૂર્યગ્રહણ નરી આંખે જોવું હિતાવહ નહોતું એટલે બધાને સેફ સોલાર વ્યુઅર્સ આપવામાં આવ્યા હતા. શિયાળાની વહેલી સવારની ઠંડીમાં પણ સૂર્ય ગ્રહણનો આ નજારો જોવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અવકાશી ઘટનાઓમાં રસ ધરાવતા લોકો એકઠા થયા હતા. 53 વર્ષ થી સતત વીએએસસીએસસી આવી વિજ્ઞાન સાથે જોડાયેલી ઘટનાઓ અને રચનાત્મક પ્રવૃત્તિઓ લોકો સમક્ષ રજૂ કરવાના પ્રયાસો કરતું રહ્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)