તીડના આક્રમણથી પાકને બચાવવા ખેડૂતોની મથામણ

બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તીડના આતંકે ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. બનાસકાંઠામાં ઉડતી આફતના વધી રહેલા આક્રમણને લઇ ખેડૂતો સાથે સરકાર પણ હચમચી ગઇ છે. રાજસ્થાન તરફથી ઘૂસેલા કરોડો તીડના કાફલાએ છેલ્લા બે સપ્તાહથી બનાસકાંઠાને ઘમરોળ્યું છે. બુધવારે 100થી વધુ ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો અને 6 હજાર હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં પાકનો સફાયો બોલાવી દીધો છે.

તીડના ઝૂંડે બુધવારે થરાદ તાલુકાના 7 ગામોમાં ખેતી પાકમાં સંપૂર્ણ સફાયો બોલાવી દીધો હતો. જેમાં રડકા ગામમાં સૌથી વધુ તીડ ત્રાટક્યા છે. તેથી થરાદમાં કેમ્પ ઊભો કરી દવા છંટકાવ કરવા અત્યાધુનિક વાહનો તૈનાત કરાયા છે. મુંબઈથી દવાનો વધુ જથ્થો મંગાવાયો છે. મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

થરાદ તાલુકાના 15થી વધુ ગામોમાં તીડનું આક્રમણ છે તેમાં પણ રડકા ગામ વધુ પ્રભાવિત છે ત્યારે રડકા ગામ સહિતના વિસ્તારોમાં ટ્રેક્ટર અને જીપો સહિતના 18 વાહનો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર જે પી સિંહ દોડી આવ્યા છે અને કેન્દ્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. તીડના નિયંત્રણ માટેની ફાલ્કન મશીનથી પણ દવાનો છંટકાવ શરૂ કરી દેવાયો છે. આ મશીનથી આઠ મિનિટમાં જ એક એકરમાં દવા છાંટી શકે છે. આ દરમિયાન તીડ કંન્ટ્રોલના નિયામક, ખેતી નિયામક, DDO સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

થરાદમાં તીડના આતંક સામે અત્યાધુનિક દવા ફેંકવાનું મશીન પહેલીવાર થરાદમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફાલ્કન મશીનની ખાસિયત એ છે કે 30 ફૂટ દૂર 8 ફૂટ ઊંચે દવા ફેંકી શકે છે. આવા 3 નવા મશીનો મુકવામાં આવશે. જે એક દિવસમાં 120 એકર કવર કરી લેશે.

બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, તીડની સ્થિતિને લઈ આગલા દિવસે ભારત સરકારના સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત થઇ છે. આજે જોઇન્ટ ડાયરેક્ટર ડો.જે.પી. સિંઘ ઘટના સ્થળની મુલાકાત લઇ કલેકટર કચેરીમાં તમામ બાબતોની સમીક્ષા કરી છે. દવા બાબતે ખેડૂતોને સમજ અપાશે. વધુ ગાડીઓ પણ થરાદ મોકલાઇ છે અને દવા છંટકાવ કામગીરી માત્ર વિસ્તારોમાં જ કરાશે. તીડને આ તરફ આગળ આવવા નહીં દેવાય. ઇરાન અને બલુચિસ્તાનમાં મેટિંગ માટે આ તીડ જઇ રહ્યાં હતાં. જે અસામાન્ય સંજોગોમાં આ તરફ વળી ગયાં છે.

ડો.જે.પી. સિંઘે કહ્યું કે, ભારત સરકારના કૃષિ કલ્યાણ મંત્રાલય દ્વારા ખૂબ તાકાતથી કામ કરાઇ રહ્યું છે. મેનપાવર અને મશીનરીની કોઇ કમી નથી. આવનારા દિવસોમાં સફળતા મળશે. રાજસ્થાનમાં પણ અનેક ટીમો કામ કરી રહી છે. માત્ર કેટલાક ઝૂંડ ગુજરાતમાં આવ્યા છે. તેમની પર નિયંત્રણ આવી જશે. આ ઝૂંડ બલુચિસ્તાન ઇરાન માઈગ્રેટ થઈ રહ્યું હતું. જે ભોજન માટે અહીં રોકાઈ ગયું છે.

બનાસકાંઠા તરફથી મહેસાણાના સતલાસણા તરફ તીડનું મોટુ ઝૂંડ બુધવારે બપોરે ફરી આવતા ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા. સતત બે કલાક સુધી ખારી, મોટીભાલુ, સુદાસણા, જસપુરીયા ચાર ગામ પટ્ટા ઉપર હવામાં તીડનું ઝૂંડ ચકરાવોમાં રહીને સાંજે બનાસકાંઠાના હળવદ પોશીના તરફ ફંટાયુ હતું. આ ચારેય ગામ ખેડૂતોએ ઢોલ, તપેલા ખખડાવી, તાપણા કરીને ખેતરમાં જ દિવસ પસાર કર્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]