અમદાવાદમાં સ્થિતિ ગંભીરઃ 10 વોર્ડ ‘કન્ટેન્મેન્ટ એરિયા’ જાહેર કરાયા

અમદાવાદઃ કોરોના વાઇરસની હાલની પરિસ્થિતિને પહોંચા વળવા માટે તેમજ સંક્રમણને નિયંત્રણમાં રાખવા અસરકારક કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં વધુ એક, મણિનગર વોર્ડને ‘રેડ ઝોન’ જાહેર કરતા કુલ ૧૦ વોર્ડ ‘રેડ ઝોન’માં સામેલ છે. ૪૮ વોર્ડમાંથી શહેરમાં ૪૦ વોર્ડ ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરને કેન્દ્ર સરકારે ‘રેડ ઝોન’ તરીકે ઘોષિત કર્યું છે.

અમદાવાદ શહેરના ખાડિયા, સરસરપુર, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસરપુર અને મણિનગર વોર્ડનો ‘કન્ટેન્મેન્ટ એરિયા’માં સમાવેશ થાય છે. ‘કન્ટેઇન્મેન્ટ’ વિસ્તાર જાહેર કરાયેલા વોર્ડમાં અસરકારક કામગીરી કરી શકાય તે માટે એએમસી દ્વારા ૧૦ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એએમસીના આ અધિકારીઓ પોલીસ અને સામાજિક સંસ્થા સાથે સંકલન કરવાની કામગીરી કરશે. તેમજ વોર્ડમાં ઉભી કરવામાં આવતી વ્યવસ્થાનું મોનિટરીંગ કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં લોકોએ લોકડાઉનમા સહકાર નથી આપ્યો તે વોર્ડમાં કોરોનાનાં કેસ વધ્યા છે. જેમાં આ દસ વોર્ડનો સમાવેશ થાય છે. આથી ૧૦ વોર્ડમાં હવે કડકાઇથી લોકડાઉનનુ પાલન કરાશે. આ ઝોનનાં રહેવાસીઓને બહાર નહી જવા દેવામાં આવે, તેમ જ બહારના લોકોને અંદર નહી આવવા દેવામાં આવે. આ તમામ વિસ્તારો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ૩૭૭૧ કેસ નોંધાયા છે. આ પૈકી કુલ ૨૯૫૫ કેસ અત્યારે એક્ટિવ છે. આ સિવાય ૩૭ જેટલા લોકો વેન્ટીલેટર પર છે અને ૬૦૦ થી વધુ લોકોને રજા આપવામાં આવી છે. અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં વધુ ૬ જગ્યાએ ફીવર ક્લિનિક શરૂ કરાશે. આજથી તમામ ફેરિયાઓને સ્ક્રીનિંગ કરીને કાર્ડ અપાશે. ફેરીયાઓને સાત દિવસનું કાર્ડ આપવામાં આવશે. આ  સિવાય ૨૨૨ સુપર સ્પ્રેડરના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદ માટે 4 મેથી શરૂ થયેલો કોરોના વાઈરસ બીમારીનો ત્રીજો તબક્કો મહત્વનો બની રહેશે. બીજા તબક્કામાં 90 ટકા જેટલા દર્દીઓએ સહકાર આપ્યો છે. અમદાવાદમાં કોરોના કેસનો ડબલિંગ રેટ 12 દિવસનો થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]