અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી જાહેર થઈ એવા કોરોનાના કેસ યોગાનુયોગ ઘટવા માંડ્યા હતા. શહેરના માર્ગો પરથી કોર્પોરેશને કોરોનાનું મફત ટેસ્ટિંગ કરતાં ટેન્ટ પણ રાતોરાત ઉઠાવી હતા. સોસાયટીના હોદ્દેદારો, ગામના અગ્રણીઓને મતદાન માટે ચૂંટણીમાં મનાવવા માટે મીટિંગો ગોઠવી. ચૂંટણીસભાઓ થઈ, સરઘસો નીકળ્યાં, પ્રચાર-પ્રસાર, વોટિંગ અને પરિણામ પણ આવી ગયાં. એ પત્યા હવે કોરોના ઠેર-ઠેર વકર્યો છે. માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન પણ સતત વધી રહ્યા છે. કોરોનાની તપાસ કરતાં ટેન્ટ લાગી ગયા છે.
શહેરમાં ચૂંટણીઓ બાદ અચાનક જ કોરોનાના વધતાં કેસનો ભય સાથે કાયદાની કડકાઈ વધતી જાય છે. માસ્ક વગરના લોકોના દંડ વસૂલવામાં વધારો થઈ ગયો, પરંતુ આ બધામાં સૌથી મહત્ત્વની બાબત એ ધ્યાન પર આવી કે પાડાના વાંકે પખાલીને ડામ કેમ?
તંત્રએ ફરમાન કર્યું છે કે જો નિયંત્રિત ઝોનમાં રહેતા કોરોના સંક્રમિત લોકો ઘરની બહાર ના નીકળે એનું ધ્યાન સોસાયટીના હોદ્દેદારોએ રાખવાનું – નહીં તો ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ’ અને ‘ધી એપિડેમિક ડિસીઝ એક્ટ’ મુજબ કાર્યવાહી થશે. લોકોના આરોગ્ય સાથે સૌથી મોટા ચેડાં અને હોદ્દેદારોને હેરાનગતિ થાય છે, કેમ કે એ સોસાયટીઓમાં સંક્રમિત લોકોની નોટિસો નિયંત્રિત ઝોનનો સમયગાળો પૂરો થયા પછી મળે છે. શહેરમાં અચાનક જ નિયંત્રિત ઝોન થાય તો સંક્રમિત અજાણ્યા પડોશીઓને કેવી રીતે નિયંત્રિત કરવાના…?
(પ્રજ્ઞેશ વ્યાસ)