અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પક્ષો આ ચૂંટણીમાં તેમને ચૂંટણી જિતાડે એવો ઉમેદવાર પસંદ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પક્ષના જેતે નેતાઓએ અને તેમના કાર્યકરોએ ચૂંટણીમાં ટિકિટ મેળવવા લોબીઇંગ શરૂ કરી દીધું છે, પણ ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે છેલ્લા 15 દિવસથી વિવિધ જગ્યાએ પાર્ટીના કાર્યકરોને કહી રહ્યા છે કે પક્ષના ઉમેદવારની અંતિમ પસંદગી વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ કરશે, જેથી કોઈ પણ મારી પાસે ભલામણ લઈને આવવું નહીં.જોકે તેમનું આ નિવેદન વિરોધાભાસી છે, કેમ કે પાટીલે હજી બુધવારે જ ઉત્તર ગુજરાતની મુલાકાત વખતે ભાજપના બે ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રહેવા માટે લીલી ઝંડી આપી હતી. તેમણે સ્થાનિક મિડિયામાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો એ વાત સારી રીતે જાણે છે કે પાર્ટીનું સંસદીય બોર્ડ અને વડા પ્રધાન તેમ જ ગ઼હપ્રધાન અમિત શાહ જ ઉમેદવારોની અંતિમ પસંદગી કરશે, પરંતુ અલ્પેશ ઠાકોર એ પક્ષના વરિષ્ઠ નેતા અને તેઓ રાધનપુરની બેઠક પરથી ઊભા રહેશે અને અમને વિશ્વાસ છે કે તેઓ એ બેઠક પરથી જીતશે, અમે તેમને જીતવા માટે ઓલ ધ બેસ્ટ કહીએ છીએ.
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ચાણસ્માના બેઠકના સિટિંગ MLA દિલીપ ઠાકોર પણ એ જ સીટ પરથી ઊભા રહેશે અને તેઓ પણ જીતશે.