ગ્રીન રિસર્ચ પ્રોજેક્ટ(The Green Research Project) ની શરૂઆત એપ્રિલ ૨૦૨૩માં ભારતના સૌથી યુવા લેખક અને પ્રકાશકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર નડિયાદના વેદાંત બ્રહ્મભટ્ટે કરી હતી.
મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના 22 સંશોધક આ રીસર્ચ સાથે સંકળાયેલા હતા. મનોવિજ્ઞાન અને વાતાવરણમાં થતાં પરિવર્તનોને જોડતું આ પ્રકારનો પ્રકલ્પ કદાચ પહેલીવાર જ થતો હશે. ઑક્ટોબર ૨૦૨૩માંપ્રથમ ચરણની સમાપ્તિ થઈ છે. હવે આ જ પ્રકલ્પને મોટા પાયે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મુખ્ય સંશોધક વેદાંત બ્રહ્મભટ્ટ કહે છે, “The Green Research Project” એ ક્લાયમેટ ચેન્જ અને મનોવિજ્ઞાનને એકીકૃત કરવા તરફનું પ્રથમ પગલું છે.આ પ્રોજેક્ટનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓમાં એમના સ્નાતક વર્ષનાં પ્રારંભિક તબક્કામાં ક્લાયમેટ ચેન્જ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
વધુમાં વેદાંત કહે છે, અમે મુખ્ય યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ ક્લબ રાખવાની ઇચ્છા ધરાવીએ છીએ અને આ ક્લબો ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રમાં અભ્યાસ, સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમે વિદ્યાર્થીઓને દરેક તબક્કે સુવિધા આપીશું, તેમને સંસાધનો અને સંશોધન કેવી રીતે કરવામાં આવે છે એની તાલીમ આપીશું. અભ્યાસના એ ક્ષેત્રમાં લાયક શિક્ષકો દ્વારા એની સમીક્ષા કર્યા પછી આ અભ્યાસોને પ્રકાશિત કરવા માટે એક માધ્યમ પ્રદાન કરવાનું છે.
નોંધનીય છે કે વેદાંતે આ સંશોધન પ્રોજેક્ટની શરૂઆત આબોહવા પરિવર્તનને ઉકેલવાના વૈકલ્પિક માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કરી હતી. મનોવિજ્ઞાનનો ઉપયોગએ આવું કરવા માટે સૌથી વધુ સુલભ અને અસરકારક પદ્ધતિ છે. વેદાંતે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને Consumer Behaviorના ક્ષેત્રમાં અભ્યાસ કર્યો છે.