જેસલમેરઃ ભારતીય વાયુસેનાએ બુધવારે જેસલમેરમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ચંદન વિસ્તારમાં વાયુશક્તિ 2024 કાર્યક્રમ માટે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કર્યું હતું. વાયુશક્તિ 2024નું મુખ્ય પ્રદર્શન અને કવાયત 17 ફેબ્રુઆરીએ જેસલમેર પાસે આવેલી પોખરણ રેન્જમાં યોજાશે.
આ રિહર્સલમાં ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોન, મિસાઇલ અને અન્ય કેટલાંક હથિયારની મદદથી દુશ્મનોના ડમી ટાર્ગેટને તોડી પાડ્યાં હતાં. ભારતીય વાયુસેનાના સુખોઇ, જેગુઆર, રફાલ, તેજસ, મિગ 29, મિગ 2000, અપાચે અને ચેતક હેલિકોપ્ટર તેમ જ C-130 J અને C-17 કાર્ગો વિમાન વગેરે જેવા કુલ 121 એરક્રાફ્ટે આ રિહર્સલમાં ભાગ લીધો હતો. એક પછી એક વાયુસેનાના લડાયક વિમાન દ્વારા તેમની અચંબિત કરી દેતી તાકાતનું પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. યુદ્ધભૂમિ સિવાય માનવસેવા અને બચાવકાર્યમાં પણ ભારતીય વાયુસેના કઈ રીતે ફરજ બજાવે છે તેના ઉદાહરણ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેસલમેર નજીક આવેલી ચંદન રેન્જમાં આયોજિત આ ફુલ ડ્રેસ રિહર્સલમાં ચીફ ગેસ્ટ તરીકે ડેપ્યુટી એર માર્શલ એપી સિંહ, સાઉથ વેસ્ટર્ન કમાંડ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી અને વાઈસ એર માર્શલ મનિષ ખન્નાએ હાજરી આપી હતી. જેમના સિવાય સૈન્ય, નેવી અને બીએસએફના ઘણા ઉચ્ચ અધિકારીઓએ વાયુસેનાની પ્રચંડ તાકાતનો નજારો જોવા રિહર્સલમાં હાજરી આપી હતી.
આ વખતે પ્રથમ વાર આ કવાયતમાં રફાલ વિમાને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. આ વિમાન રાતના અંધારામાં પણ સચોટ નિશાન સાધી શકે છે, જેનું ઉદાહરણ વાયુશક્તિની ફુલ ડ્રેસ રિહર્સલમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે સિવાય તેજસ, મિગ 29, સુખોઈ અને અપાચે હેલિકોપ્ટરે પણ પોતાની અનોખી તાકાત પ્રદર્શિત કરી હતી.
ભારતીય બનાવટમાં હેલિકોપ્ટર અને પ્લેન દ્વારા આ રિહર્સલ દરમિયાન આકાશ મિસાઈલનો મારો ચલાવવામાં આવ્યો હતો. C130 હેલિકોપ્ટર દ્વારા કમાન્ડોને દુશ્મનોના ઠેકાણા માથે ઉતારવામાં આવ્યા હતા તો ચિનુક હેલિકોપ્ટરે M777 હોવિત્ઝર તોપને યુદ્ધભૂમિમાં સફળતાપૂર્વક કઈ રીતે ઉતારી શકાય તેની રજૂઆત કરી હતી. સાથે જ ભારતીય વાયુસેનાની સરફેસ ટુ એર મિસાઈલ દ્વારા કઈ રીતે દુશ્મનોના ડ્રોન અને વિમાનોને પળવારમાં જમીનદોસ્ત કરી શકાય તેનું સામર્થ્ય દર્શાવવામાં આવ્યું હતું. 1987માં રચાયેલી આકાશગંગા ટુકડી પણ આ કાર્યક્રમનો ભાગ હતી. આપણા વાયુસેનાના જવાનોએ કાર્ગો વિમાનમાંથી છલાંગ લાગવી પેરાશૂટની મદદથી સફળતાપૂર્વક ઉતરણ કર્યું હતું. જે દરમિયાન તેમણે આકાશમાં વિવિધ કરતબો કર્યા હતા. આકાશગંગા ટુકડીના ત્રણ જવાનોએ તિરંગાના રંગનું પેરાશૂટ ધારણ કરેલું હતું અને તે ત્રણેય જવાનોએ એકબીજાના પેરાશૂટ માથે ઊભા રહી દિલધડક દ્રશ્ય સર્જ્યું હતું.
(નિતુલ ગજ્જર, તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)