ક્રિકેટ-ટુર્નામેન્ટે 3-વર્ષની બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દીધું

વલસાડ: કલવાડા ગામે ગયા સપ્તાહાંતે પાટીદાર સમાજ દ્વારા ૩-વર્ષની એક બાળકીના લાભાર્થે પાટીદાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તે ટુર્નામેન્ટ થકી સમાજ દ્વારા રૂ.૧૯.૩૦ લાખ જેટલી માતબર રકમ એકત્ર કરાઇ હતી અને તેને બાળકીનાં પરિવારને સુપ્રત કરાઇ હતી. આ એક ટુર્નામેન્ટથી નાનકડી બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ થઇ ગયું છે.

વલસાડના નાના ઠક્કરવાડા ગામે રહેતો પાટીદાર યુવાન રોનક શિરીષભાઈ પટેલનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. એની ૩-વર્ષની પુત્રીનાં માથા પરથી પિતાનું રક્ષણ ઉઠી જતાં તેની પર આભ તૂટી પડ્યું હતું. ખૂબ જ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારને સહારો આપવા માટે કલવાડાના યુવાનો આગળ આવ્યા હતા. જેમાં ખાસ કરીને એનઆરઆઇ જયેશભાઇ અમરતભાઇ પટેલ અમેરિકાથી ખાસ વલસાડ આવ્યા હતા. તેમણે ક્લવાડા ગામે ડી.ઝેડ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાજના યુવાનોની ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. એ ક્રિકેટ ટુર્નામેન્ટનો તમામ ખર્ચ તેમણે કર્યો હતો. જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ આવક સ્વ. રોનકના પરિવારને અર્પણ કરવાનું નક્કી કરાયું હતું ત્યારે સમાજના લોકોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો અને રૂ.૧૯.૩૦ લાખની માતબર રકમ એકત્ર થઈ હતી. આ રકમ મૃતક રોનકની ૩-વર્ષિય પુત્રીના નામે બેંકમાં મૂકી તેનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય જોઈ સોનવાડા ગામના રમેશભાઇ પટેલના પરિવારે બાળકીનાં આજીવન ભણતર અને તેણીના લગ્નનો ખર્ચ પણ કરવાની જાહેરાત કરી હતી.

કલવાડા ગામે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં લીલાપોર અને ઘેજ ગામની ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને લીલાપોર પાટીદાર પ્રીમિયર લીગની ચેમ્પિયન બની હતી. બંને ટીમોએ પણ તેમને મળેલા ઈનામની રકમ પરિવારને અર્પણ કરી દીધી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તૃષિત પટેલ, બ્રિજેશ પટેલ અને દિપક પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.