ગાંધીનગરઃ પાટનગરના મહાત્મા મંદિર ખાતે 9મી એગ્રી એશિયા એક્ઝીબિશનનો પ્રારંભ થયો છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ એક્ઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી રુપાણીએ ખેડૂતોને ખેતી પ્રત્યેનો માઈન્ડ સેટ બદલી ડ્રિપ ઈરીગેશન પદ્ધતિથી “પર ડ્રોપ મોર ડ્રોપ” થી ખેતી સમૃદ્ધિ માટે પ્રેરક આહવાન કર્યું હતું. રાજ્ય સરકાર ડ્રિપ ઇરિગેશન – ટપક સિંચાઇ માટે ૭૦ ટકા જેટલી સબસિડી આપે છે ત્યારે ઓછા પાણીએ વિપૂલ પાક ઉત્પાદન મેળવવા ખેડૂતો સાથે મળીને સહકારી ખેતી ટપક સિંચાઇનો વિનિયોગ કરે તે સમયની માંગ છે.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આ પ્રદર્શનીના માધ્યમથી કૃષિ અને સંલગ્ન સેવાઓની એક આખી વેલ્યુચેઇન ઊભી થઇ છે. ગુજરાતે અનેક કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્રેસરતા દાખવી છે તેનો ઉલ્લેખ કરતાં કિસાન શકિતને એકસપોર્ટ ઓરિએન્ટેડ વિશ્વના બજારોની જરૂરિયાતોને અનુરૂપ ફળફળાદિ-શાકભાજી જેવા પાક ઉત્પાદન માટે પ્રેરણા આપી હતી. આ અંગેના ઉદાહરણો આપતાં જણાવ્યું કે, બનાસકાંઠામાં દાડમ, કચ્છમાં ખારેક અને આદિજાતિ વિસ્તારોમાં કાજુના ઉત્પાદનથી આ વિસ્તારના કિસાનો સમૃધ્ધ થયા છે.
મુખ્યમંત્રીએ આવા એકસપોર્ટ ઓરિએન્ટેડ ઉત્પાદનોથી ખેડૂતને રૂપિયાને બદલે ડોલર કમાતો કરવાની અને વિકાસની હરણફાળની દિશામાં તેને લઇ જવાની મનસા વ્યકત કરી હતી. કૃષિ સંસ્કૃતિને ઋષિ સંસ્કૃતિ ગણાવતાં જીવ થી શિવ અને વ્યકિત થી સમષ્ટિના વિચારને કેન્દ્રમાં રાખીને જૈવિક ખેતી, ઝીરો બજેટ ફાર્મિંગ, ઓર્ગેનિક ખેતીના સમન્વય દ્વારા પાક ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેડૂતોના બાવડામાં બળ પુરવાની નેમ અને ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત-ગામડાંને ધ્યાને રાખીને કર્તવ્યરત છે.
ધરતીપુત્રોને સમયસર સારૂ બિયારણ, પાણી, વિજળી અને સારા ખેત ઓઝારોથી સજ્જ કરી હરિતક્રાંતિ માટે પ્રેરિત કરવાના પગલાંઓની પણ છણાવટ વિસ્તૃત છણાવટ કરી હતી. નર્મદા ડેમનું પાણી છેક કચ્છના ટપ્પર ડેમ સહિત સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પહોચાડીને કિસાનોને ત્રણ-ત્રણ પાક લેતા કર્યા છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, જળસંચય અભિયાન જેવા કિસાન હિતકારી કાર્યક્રમોથી હર હાથ કો કામ, હર ખેત કો પાની ની નેમ સાકાર કરી નવા વિચારો નવા ઉત્સાહથી પ્રેરિત ખેતીની દિશા અપનાવવા પણ કિસાન શકિતને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ખેડૂતોને લંગડી વિજળીમાંથી મુકિત આપી જ્યોતિગ્રામ યોજના અને હવે સૂર્ય ઊર્જાથી પોતાના ખેતરમાં સૌર ઉર્જા પેદા કરી શકે તેવો ઊર્જાવાન કિસાન સરકારે બનાવ્યો છે તેમ ઉમેર્યુ હતું. રૂ. ૯ હજાર કરોડથી વધુની કિંમતના પાકોની ટેકાના ભાવે ખરીદી સરકારે કરી છે તેની વિગતો આપતાં જણાવ્યું કે આ વર્ષે પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોની મહેનત એળે નહીં જવા દેવાય.
કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એગ્રી એશિયા એક્ઝિબિશનના આયોજકોને અભિનંદન આપતાં કહ્યું કે, ગુજરાત દેશભરમાં તમામ ક્ષેત્રોએ મોખરે રહ્યું છે, જેનું માત્ર ને માત્ર કારણ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશી નીતિ અને દીર્ઘદ્રષ્ટીને આભારી છે. તેમણે હાથ ધરેલા નવા આયામોના પરિણામે પરંપરા સ્થાપિત થઇ છે જેને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગળ વધારી રહ્યા છે, અને એટલે જ આજે પણ ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે.
નરેન્દ્રસિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવા માટે મુખ્યમંત્રી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે જે પ્રયાસો થઇ રહ્યા છે તે સરાહનીય છે. કૃષિ અને સહકાર ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તેનાથી ચોક્કસ દેખાય છે કે, આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને રાહ ચીંધશે. તેમણે ઉમેર્યું કે, ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ગામડાંઓ તેના પર નિર્ભર છે ત્યારે ખેતી અને ગ્રામ્ય જીવનને ધબકતું બનાવવા માટે તથા ગરીબ ખેડૂતોને સહાયરૂપ થવા ગુજરાત સરકારે તેના બજેટમાં વિવિધ કૃષિલક્ષી જે યોજનાઓ બનાવી છે તે અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ લાંબા સમય સુધી ખેતી અને ગ્રામ વિકાસ માટે પ્રાધાન્ય અપાયું નહોતુ આજે વડાપ્રધાન મોદીએ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવાની નેમ લીધી છે. ભૂતકાળમાં કૃષિ મંત્રાલયનું વર્ષ-૨૦૦૯ થી ૨૦૧૪માં બજેટ ૮૭ હજાર કરોડ હતું જેને ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીમાં ૧ લાખ ૬૪ હજાર કરોડ કરાયું છે. લાલ બહાદુરશાસ્ત્રીએ કિસાનો માટે ‘જય જવાન જય કિસાન’ સુત્ર આપ્યું હતું જેને અટલજીએ આગળ વધારીને ‘જય જવાન જય કિસાન જય વિજ્ઞાન’ નો સંકલ્પ કર્યો અને શ્રી મોદીએ તેનાથી પણ આગળ વધીને ‘જય જવાન… જય કિસાન… જય વિજ્ઞાન અને જય અનુસંધાન સૂત્ર આપ્યું કે તેને સાથે રાખીને ખેતી કરીશું તો ખેતીનો વ્યાપ વધશે અને ઉત્પાદન વધશે.