ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય સત્ર ચાલી ચાલી રહ્યું છે અને આજે સત્રના 5 માં દિવસે 6 સરકારી વિધેયકો સર્વાનુમતે ગૃહમાં પસાર કરવામાં આવ્યાં હતાં. ટપોટપ પસાર થઈ ગયેલાં સરકારી વિધેયકોમાં વિરોધ કરનાર કોઈ વિધાનસભા ગૃહમાં હાજર ન હતું કારણ કે નેતા વિપક્ષની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યો ગાંધીનગરમાં વિરોધ કાર્યક્રમ આપી રહેલાં શિક્ષકોના સમર્થનમાં ત્યાં પહોંચી ગયાં હતાં. સીએલપી પરેશ ધાનાણીએ શિક્ષકોના ધરણા સ્થળ પર પહોંચ્યાં હતાં.
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં જે 6 સરકારી વિધેપક પાસ થયાં તે આ મુજબ છે.
1) ગુજરાત(પૂરક)વિનિયોગ વિધેયક 2)ગુજરાત વિનિયોગ(લેખાનુદાન) વિધેયક-બજેટ પાસ 3)ગુજરાત પ્રોવેન્શિયલ મ્યૂનિસિપલ કોર્પોરેશન(સુધારા) વિધેયકગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ હેઠળના વિધેયકમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાથી અનુભવી અધિકારીઓની સેવાઓ રાજ્ય સરકારની મંજૂરીથી નીમણૂક આપી શકાશે. આ સુધારા વિધેયકનો હેતુ સ્થાનિક વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં લઇ પ્રજાલક્ષી કામો, ગુણવતાયુક્ત સેવાઓ પ્રજાને મળશે. 4)ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ(સુધારા)વિધેયક ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી આ સુધારા વિધેયક લાવવામાં આવ્યુ છે. 5)ગુજરાત દુકાન અને સંસ્થા(રોજગાર નિયમન અને સેવાની શરતો) વિધેયક ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો – સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬ થી રાત્રે ૦૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સવારે ૬.૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. વિધાનસભા ગુહે આજે આ અંગે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ-૨૦૧૯ પસાર કર્યુ હતું. 6) ગુજરાત ખેત-જમીન ટોચ મર્યાદા(સુધારા) વિધેયક નવા સુધારા અનુસાર આ માટે કોઈ જમીન રાજ્ય સરકારે ગૌશાળા કે પાંજરાપોળોને આપવાની નથી પરંતુ જે ગૌશાળાઓ એ જમીન ખરીદી હોય અને જમીન ટોચ મર્યાદા નીચે આવી ગઈ હોય તેને માત્ર નિયમિત જ કરવાની છે અને નવી જમીન ખરીદે તો એને મંજૂરી આપવાની છે. ગુજરાત વિધાનસભા ખાતે આ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું. |