ગાંધીનગર– રાજ્યમાં આતંકી હુમલાના ઇનપુટ અપાયેલાં છે તેવામાં રાજ્ય પોલિસ વધુ સતર્ક બને તેવા સમાચાર બહાર આવ્યાં છે. દેશમાં ઓગસ્ટ માસમાં આતંકી હુમલાની ચેતવણીને લઇને એલર્ટ ઘોષિત કરવામાં આવેલું છે, એવામાં ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલિસને એક ફેક્સ મેસેજ કરાયો છે. જેમાં ચાર આતંકી ભારતમાં ઘૂસ્યાં હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ચારમાંથી એક આતંકી અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે.
અફધાન આતંકીઓએ ઘૂસણઘોરી કરી
તાજેતરમાં કાશ્મીરમાંથી 370 હટાવતા જ એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલિસને ઇનપુટ મળ્યાં હતાં. આ સંજોગોમાં શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ઓગસ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરી છે.
અફઘાની આતંકી ઝાકીનું પાકિસ્તાની ઓળખકાર્ડ
અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલિસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે. આ શખ્સ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે.
દેખાય તો તરત અહીં જાણ કરો
આ સંદર્ભે 15 જુલાઇ 2019થી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઇ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો જે તે વિસ્તારમાં હોય તો તેના સી ફોર્મની વિગતો માહિતી સાથે 18મી ઓગસ્ટ 2019 સુધીમાં જે તે કચેરીઓમાં મોકલવાનો હુકમ કરાયો છે. તો બીજી તરફ પોલિસે પણ પાસપોર્ટને લગતી તમામ તપાસ શરૂ કરી રિપોર્ટ તેમના અધિકારીઓને સોંપ્યો છે.