રાજ્યમાં આ વર્ષે ધો.5 અને 8ના 30 ટકા વિદ્યાર્થીઓ થશે ડિટેઈન, કારણ કે…

અમદાવાદ- ગુજરાતમાં આ વર્ષે લગભગ 2.5થી 2.7 લાખ બાળકો આ વર્ષે આગાળના ક્લાસમાં નહીં જઈ શકે. માનવામાં આવી રહ્યું છે કે, ગત મહિને આરટીઈ કાયદામાં કરેલા સુધારાને લાગુ કરવાના નિર્ણયને કારણે આવું બનશે. સંસદમાં આ વર્ષે જાન્યુઆરીમાં આરટીઈ કાયદામાં સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું.

આ બિલમાં નો ડિટેન્શન પોલિસી સંબંધિત સુધારો કરવામાં આવ્યો. આમાં રાજ્યોને એવો અધિકાર આપવામાં આવ્યો હતો કે, અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને એજ ક્લાસમાં રાખવા છે કે, પછી તેમને આગળના ક્લાસમાં મોકલવા છે, આ મામલે રાજ્યો તેમના સ્તર પર નિર્ણય લઈ શકે છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગત મહિને તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, સરકાર ચાલુ એકેડમિક સત્રથી જ 5થી 8 ધોરણમાં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એ જ ધોરણમાં રાખશે.

જાન્યુઆરીમાં સુધારા બિલ પાસ થયાં બાદ ચૂડાસમાએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર લાંબા સમયથી આ માગ કરી રહી હતી. આ માર્ચ-એપ્રીલ 2020ની વાર્ષિક પરીક્ષાથી લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું બાળકોને નાપાસ નહીં કરવાની નીતિને કારણે રાજ્યમાં બાળકોના અભ્યાસનું સ્તર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આની સીધી અસર રાજ્યની બાર્ડ પરીક્ષાના પરિણામો પર પણ પડી રહી છે.

શિક્ષણ પ્રધાને એ સમયે એમ પણ કહ્યું હતું કે, આ સંશોધન બાદ નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેથી બોર્ડ પરીક્ષાના પરિણામમાં સુધારો આવશે. આ નિર્ણય બાદ 5માં ધોરણથી 8માં ધોરણના 30થી 33 ટકા બાળકોને તેમના ચાલૂ ક્લાસમાં જ રિપીટ કરાશે. મહત્વનું છે કે, બિલમાં સુધારો કર્યા પહેલાં 1થી 8 ધોરણ સુધીમાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં  આવતા નહોતાં.