નર્મદા- લોકસભીની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળ્યા બાદ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્ય્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો પણ અચાનક વધી રહ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામના માત્ર 2 દિવસમાં જ 34 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. જેના કારણે 50 લાખ રૂપિયા કરતા પણ વધારે આવક થઇ છે. તાજેતરના આંકડા અનુસાર 26 મે એ 12 વાગ્યા સુધીમાં જ 15 હજાર પ્રવાસીઓ આવ્યાં હતાં. જેના કારણે ટિકિટ વેચવાનું બંધ કરવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. તો ટિકિટનું વેચાણ બંધ થતાં પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.
હેલિકોપ્ટર સેવા પણ બંધ કરાઇ
પ્રવાસીઓના ધસારાને લઈને ટિકિટનું વેચાણ બંધ કરવાની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચાલતી હેલિકોપ્ટર સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, આ દિવસે અહીં મુલાકાત લેનારા પ્રવાસીઓમાં નિરાશા પ્રવર્તી હતી
મહત્વનું છે કે સ્ટેટ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં 6 મહિનામાં એટલેકે 31 એપ્રિલ સુધીમાં 13,73,523 પ્રવાસીઓએ મુલાકાત લીધી લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 6 મહિનામાં 34,48,53,853 રૂપિયાની અધધધ આવક થઇ હતી. ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી પ્રવાસીઓમાં મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.
થોડા સમય પહેલા જિલ્લાના કલેક્ટર આઈ. કે. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને અહીં રહેવા સરદાર સરોવર નર્મદા બંધ ને કારણે પણ અહીં દર વર્ષે 5 લાખ જેટલા પ્રવાસીઓ આવતા હતા. સ્ટેટ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ પ્રવાસીઓમાં ઘણો વધારો થયો છે. ત્યારે હાલ ઉનાળાની ઋતુ છે પરંતુ આગામી ચોમાસામાં નર્મદા જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠશે ત્યારે પ્રવાસીઓમાં હજી પણ વધારો થાય તેવી શક્યતા છે.