અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે આશરે સાત-આઠ મહિના પહેલાં સ્કૂલો, હોસ્પિટલોને અને રહેણાક સોસાયટીઓને ફાયર સેફ્ટી મુદ્દે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. વળી, કોર્ટે ફાયર સેફ્ટી વગરની ઇમારતો, સ્કૂલો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાનો સરકારને આદેશ આપ્યો હતો. જોકે અમદાવાદમાં હજી પણ 31 ટકા હાઇ-રાઇઝની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSCs) અથવા NOC નથી.
અમદાવાદમાં કુલ 5897 ગગનચુંબી ઇમારતો છે, જેને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવે છે, જેમાં એક વ્યાવસાયિક, વ્યાવસાયિક પ્લસ રહેણાક અને રેસિડેન્શિયલમાં વિભાજિત કરવામાં આવે છે. આમાંથી 15 નવેમબર સુધી 1848 ઊંચી બિલ્ડિંગો પાસે FSCs નથી, જે શહેરની કુલ ઊંચી બિલ્ડિંગોના 31 ટકા અથવા એક તૃતીયાંશ જેટલી છે.
વળી, ચિંતાની વાત એ છે કે આશરે 150 રેસિડેન્શિયલ ઊંચી બિલ્ડિંગો છે, જેની પાસે ફાયર સેફ્ટી NOC પ્રાપ્ત કરી હતી, પણ એ બિલ્ડિંગોએ એને રિન્યુ નથી કરી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ADSI 2020ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 485 લોકોમાંથી 420 લોકોનું આકસ્મિક આગ લાગવાથી તેમના ઘરે મોત થયું હતું, જ્યારે 2019માં રાજ્યોમાં 686 લોકોનું ઘરમાં આગ લાગવાને લીધે મોત થયાં હતાં.
શહેરમાં સૌથી મોટી સમસ્યા એ છે કે આ ઊંચી બિલ્ડિંગો શહેરની બહાર ભૂતપૂર્વ નગરપાલિકાઓમાં સ્થિત છે અને હવે એ બિલ્ડિંગોનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના અધિકાર ક્ષેત્રમાં 3174 બિલ્ડિંગોમાંથી માત્ર 1778 બિલ્ડિંગો પાસે FSCs છે, જ્યારે 1396 બિલ્ડિંગો પાસે તપાસ કર્યા પછી પણ સુધારેલા દસ્તાવેજો નથી. આમાંથી કુલ 44 ટકા બિલ્ડિંગો પાસે FSCs નથી.