અમદાવાદ: 21 માર્ચ વિશ્વ વન (સંરક્ષણ) દિવસ. વન અને વન્યજીવ માટે જીવી રહેલા ૮૨ વર્ષીય ડૉ. એમ.કે. રણજીતસિંહે ‘વ્યક્તિની ઉંમર માત્ર એક સંખ્યા છે’ વાક્યને સાર્થક કર્યું છે. ભારતના જંગલો આપણી રાષ્ટ્રીય સંપદા છે, પ્રાકૃતિક ધરોહર છે. વર્તમાન સમયમાં જંગલના મહત્વ વિશે સૌ કોઇ જાણકાર છે પરંતુ જો કંઇ ખુટે છે તો તે છે જંગલ સંરક્ષણ માટે માનવીના પ્રયાસો. સરકાર તો વનસંરક્ષણના પ્રયાસો કરે જ છે પરંતુ ક્યાંક જાગૃતિના અભાવે માનવી તેમા ઉણો ઉતરતો જણાય છે. યુવા વયથી વન અને વન્યજીવ સંરક્ષણ તરફ વળેલા ડૉ. રણજીતસિંહ ૮૨ વર્ષની ઉંમરે પણ સક્રીય છે. સ્વાતંત્ર્યોત્તર ભારતનો વનસંરક્ષણ વિષયક ઈતિહાસ ડૉ. રણજીતસિંહના ઉલ્લેખ વગર અધુરો છે.
મહારાજકુમાર રણજીતસિંહ (એમ. કે. રણજીતસિંહ) વાંકાનેર રાજવી પરીવારના સભ્ય છે. પ્રારંભિક અભ્યાસ રાજકોટમાં કર્યા બાદ તેઓએ સન ૧૯૫૯માં દિલ્હી ખાતે ઈતિહાસ વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. ડૉ. રણજીતસિંહ ‘વન્યજીવ નિવસનતંત્ર’ વિષયમાં વિદ્યાવાચસ્પતિની પદવી ધરાવે છે. વાંકાનેરની વનરાજી અને ત્યાનાં વન્યજીવોને કારણે બાળપણમાં રણજીતસિંહનું પર્યાવરણ શિક્ષણ સહજ બન્યું હતું.
ડૉ. રણજીતસિંહ સન ૧૯૬૨માં સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષા પાસ કરી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કલેકટર તરીકે નિમાયા. સન ૧૯૭૧ માં જંગલ અને વન્યજીવ પ્રત્યેની તેઓની રુચિ અને જ્ઞાનને કારણે તત્કાલીન વડાપ્રધાનના આદેશથી તેઓને કૃષિ વિભાગમાંથી તબદીલ કરી ભારત સરકારના વન અને વન્યજીવ વિભાગના નિયામક બનાવાયા હતા. આ દરમિયાન તેઓએ વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ-૧૯૭૨ ઘડવાની મહત્વપૂર્ણ કામગીરી કરી.
તેઓ જણાવે છે કે, બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવા છતા તેઓએ સંઘીય સેવા માટે દેશનું ૧/૪ થી વધારે વન વિસ્તાર ધરાવતું મધ્યપ્રદેશ રાજ્ય પસંદ કર્યું. તેઓના મતે વન સંરક્ષણ ભારતમાં ખુબ જ સરળ છે. બહુધા ભારતીયો વાઈલ્ડ અને ડોમેસ્ટિક મીટ (માંસાહાર)થી દુર છે. વૃક્ષ અને પ્રાણીઓને આપણે આદર આપીએ છીએ. ઘણા સમુદાયો-સંપ્રદાયો પણ વન અને વન્યજીવ સંરક્ષણને પોતાનું કર્તવ્ય સમજે છે. ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓને કારણે પણ પ્રકૃતિ-વન સંરક્ષણ ભારતીયો માટે સહજ છે.
ડૉ. રણજીતસિંહના કહ્યા મુજબ જંગલ નિવસનતંત્ર તરીકે પ્રાણી જગત માટે સૌથી અગત્યનું છે. તેઓ કહે છે કે, ‘લાખ મરજો પણ લાખના તારણહાર ના મરજો’ કહેવત મુજબ જંગલ લાખો પશુ-પક્ષીની પ્રજાતિઓનું તારણહાર છે માટે તેનું સંરક્ષણ અત્યંત આવશ્યક છે.
ડૉ. રણજીતસિંહ ભૂતકાળમાં ઝારખંડના પાલામાઉ જંગલમાં તેઓએ કરેલા વન સંરક્ષણ-સંવર્ધનના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહે છે કે, પાલામાઉમાં ગેરકાનુની વૃક્ષછેદન અને પશુચરાણ બંધ કરાતાવન આવરણ ગાઢ બન્યું અનેબે વર્ષના અંતે ચોમાસુ નદી- નાળા જેસપ્ટેંબર સુધી વહેતા તે ડિસેમ્બર સુધી વહેવા લાગ્યા, ડિસેમ્બર સુધી વહેતા નદી-નાળા માર્ચ સુધી વહેવા લાગ્યા અને માર્ચ સુધી વહેતા નદી-નાળા બારમાસી બની ગયા. જંગલની જળ સંગ્રાહક ક્ષમતા વધી ગઈ જેથી જંગલની બહારના વિસ્તારમાં પુરતું પેય અને સિંચાઇ જળ ઉપલબ્ધ બન્યું. આમ જંગલો માત્ર વન્યજીવો જ નહિં પરંતુ માનવો માટે પણ એટલા જ લાભકારી છે. તેઓ કહે છે કે તાજમહેલ કે લાલ કિલ્લો આપણા હેરીટેજ સ્થળો છે તેમ જંગલો પણ આપણા નેશનલ નેચરલ હેરિટેજ છે.
તેઓ કહે છે કે, વનસંરક્ષણ અને વિકાસને એકબીજાના પ્રતિકૂળ ગણવામાં આવે છે જે ખોટુ છે. પર્યાવરણ-પ્રકૃતિ સંરક્ષણના લક્ષ્ય સાધીને પણ વિકાસના સોપાનો સર કરી શકાય છે.
તેઓના જણાવ્યા મુજબ, આઝાદી બાદ રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણ વખતે જ્યારે તેઓના પિતા વાંકાનેર નરેશ શ્રી પ્રતાપસિંહના શિકારગાહ રામપરા જંગલનું વિલિનીકરણ કરવાનું થયું ત્યારે એક પણ વૃક્ષ કાપીને વેચ્યા વગર જ રામપરા જંગલ સહિત વાંકાનેર સ્ટેટનું વિલીનીકરણ પ્રતાપસિંહે કર્યું હતું.
ડૉ. રણજીતસિંહનો ફીલ્ડ માર્શલ સેમ માણેકશૉ સાથેનો પ્રંસંગ રસપ્રદ છે. સન ૧૯૭૦માં ડૉ. રણજીતસિંહે લદ્દાખ પ્રવાસ દરમીયાન સરહદી વિસ્તારમાં લદ્દાખી આઇબેક્સ (જંગલી ઘેટા)ના શિકાર થતા જોયા આ બાબતની ફરિયાદ તેઓએ દિલ્હીમાં એક બેઠક બાદ ફીલ્ડ માર્શલ સેમ માણેકશૉને કરી, એફ. એમ. સેમ માણેકશૉએ તરત જ રાઈટરને બોલાવી મેમો લખાવ્યો અને સૈન્ય મથકે તાર કર્યો.
મધ્યપ્રદેશના મંડલા જીલ્લાના કલેક્ટર તરિકે તેઓએ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી માનવ વસાહતના સ્થાનાંતરણનો પ્રથમ સફળ પ્રયોગ હાથ ધર્યો હતો. ઉપરાંત તેમણે ત્યાંની બારાશીંગાની પ્રજાતીને વિલુપ્ત થતા બચાવી હતી. મધ્યપ્રદેશના વન-સચિવ તરીકે તેઓએ ૧૧ નવા અભ્યારણ્ય અને ૮ નવા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપનામાં મહત્વની ભૂમીકા ભજવી હતી. તેમના જ પ્રયાસોથી રાજ્યના ૩ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો હતો જેથી મધ્યપ્રદેશના રક્ષીત વન-વિસ્તારમાં ૧૨ હજાર વર્ગ ચો. કિલોમીટરનો ઉમેરો થયો હતો.
ભારતા સરકારના પ્રોજેક્ટ ટાઇગરના સભ્ય સચિવ રહી ચુકેલા ડૉ. રણજીતસિંહ વન અને વન્યજીવો પર ૨ (બે) દળદાર પુસ્તકો અને સેકડો અભ્યાસ-લેખ લખી ચુક્યા છે. તેઓના સન્માનમાં પૂર્વ ભારતમાં જોવા મળતી બારાશીંગાની એક વિશીષ્ટ પેટા-પ્રાજાતીનું વૈજ્ઞાનિક નામ Rucervusduvauceliiranjitsinhiiઆપવામાં આવ્યું છે.
ડૉ. રણજીતસિંહ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) અંતર્ગત સન ૧૯૭૫ થી ૧૯૮૦ સુધી એશિયા-પેસિફિક રિજીયનના પ્રાદેશીક સલાહકાર રહી ચુક્યા છે આ સમય દરમિયાન તેઓએ બાંગ્લાદેશ માટે વન સંરક્ષણ નીતી ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતમા પ્રાપ્ય વિવિધ પ્રકારના જંગલો માટે આધુનિક અગ્નિશમન તકનિકોના વિકાસ અને વન્ય-પ્રવાસન (Wildlife Tourism)ને નિયંત્રીત કરતી નીતી ઘડવાનો શ્રેય પણ તેઓના ફાળે જાય છે.ભારત સરકારના વન્યજીવ પ્રશિક્ષણ સંસ્થાન (wildlife Institute of India)ના તેઓ સ્થાપક છે. હાલ તેઓચિત્તાના પૂનર્વસન માટે નિમાયેલી ટાસ્ક ફોર્સના ચેરમેન છે અને ૮૨ વર્ષે પણ સક્રીય છે.
વર્ષો સુધી ગુજરાતની બહાર દેશ-પરદેશમાં જ વનસંરક્ષણ ક્ષેત્રે કાર્યરત રહેનાર અને બહુધા હિંદી અને અંગ્રેજીમાં વ્યવહાર કરનાર ડૉ. રણજીતસિંહે આજે પણ ગુજરાતી બોલતી વખતનો પોતાનો કાઠીયાવાડી રણકો ગુમાવ્યો નથી.
૨૧ માર્ચ વિશ્વ વન (સંરક્ષણ) દિવસ છે આ વર્ષની થીમ ‘જંગલ અને જૈવ વિવિધતા છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા-૨૦૧૯ અહેવાલ મુજબ ગુજરાત સરકારના પ્રયત્નોથી રાજ્યમાં વન આવરણમાં ૧૦૦ વર્ગ ચો.કિ.મી.નો ઉમેરો થયો છે.ડૉ. રણજીતસિંહમાંથી પ્રેરણા લઈ આપણે પણ જંગલ અને વન્યજીવોના સંરક્ષણ માટે સરકારના પ્રયસોમાં સહભાગી થઈએ, પ્રકૃતિના સંવર્ધન માટે કૃતનિશ્ચયી બનીએ….