મોરબીના ટંકારામાં 14 ઈંચ વરસાદ, કેન્દ્ર સરકારે ફાળવી મદદ

રાજ્યમાં મેઘ મહેર ધીમે ધીમે હવે મેઘ કહેર બની રહી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના તાંડવ સાથે જનજીવન પણ અસ્ત વ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ માટે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.   

ગુજરાતમાં ભારે વરસાદના પગલે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે. રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6.00 થી 10.00 કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે. 

તારીખ 27મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 116 ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 108 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં 101 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 98 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 80 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.