કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેના નિર્જન વિસ્તારમાંથી એક સાથે ડ્રગ્સના 12 પેકેટ મળી આવતા ચકચાર મચી ગયો છે. દરિયાકંઠેથી મળી આવેલા આ બિનવારસી ડ્રગ્સ લગભગ 12 કિલોગ્રામના વજનનું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 120 કરોડ આંકવામાં આવી રહી છે. ભારે માત્રામાં બિનવારસી ડ્રગ્સ મળી આવવાથી પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં જે બિનવારસી ડ્રગ્સ મળતું હતું તે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી જ મળતું હતું. પરંતુ, બે મહિના પહેલા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ,વલસાડના દાંતી ભાગલના દરિયાકાંઠેથી 21 પેકેટ અને સુરતના હજીરાના દરિયાકાંઠેથી 3 પેકેટ મળી આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ચાર મહિના પહેલા પણ માત્ર 12 દિવસના ગાળામાં જ સુરક્ષા એજન્સીઓ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ડ્રગ્સના 150 જેટલા બિનવારસી પેકેટ કબજે કર્યા હતા.
જ્યારે બીજી બાજુ ચાર મહિના પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 દિવસના સમયગાળામાં જ ડ્રગ્સના 100 જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જેની બજારકિંમત 50 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ચાર મહિના પહેલાં રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસનાં 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જેનું કુલ વજન 32 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. ત્યાર બાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડની કિંમતનો 32 કિલો ચરસનો જથ્થો મળ્યો હતો. ત્યારપછી દ્વારકા તાબેના વાંચ્છું ગામ વિસ્તારમાં આવેલા દરિયાકિનારા પાસેથી પણ પોલીસે ચરસનો બિનવારસી જથ્થો કબજે કર્યો હતો.