હોળી-ધૂળેટીના પર્વને લઈ 108 સજ્જ

અમદાવાદ: હોળી અને ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં આ તહેવારની ઉજવણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હોળી તહેવાર દરમિયાન અકસ્માત અને મારામારીના બનાવો પણ બનતા હોય છે. આ અનિચ્છનીય બનાવોને લઈ તંત્ર પણ એલર્ટ બની જતું હોય છે. જેના પગલે ઈમર્જન્સી કેસોમાં વધારો થતો હોય છે. સામાન્ય દિવસો કરતાં ધુળેટીના દિવસે અકસ્માત અને અન્ય કેસો વધારે નોંધાવવાની શક્યતા છે. જેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં વધારે ઇમર્જન્સી કેસો નોંધાવવાની શક્યતા છે.

તહેવારોના પગલે ઈમર્જન્સીમાં વધારો થતાં 108 એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 13મી માર્ચના હોળીના દિવસે ઈમર્જન્સી કેસોમાં 3 ટકાથી વધુનો વધારો થશે અને 14મી માર્ચના ધુળેટીના દિવસે 29 ટકાનો વધારો જોવા મળી શકે છે. જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્યત્વે રોડ અકસ્માતો અને ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) સંબંધિત ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે. રોડ અકસ્માતોમાં હોળીના દિવસે 36 અને ધુળેટીના દિવસે 88નો વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય દિવસના 482 કેસની સરખામણીએ છે. ધુળેટીના તહેવારો દરમિયાન નાના-મોટા ઝઘડા અને વિવાદોના કારણે શારીરિક હુમલા અને પડી જવાના કેસો પણ નોંધાતા હોય છે.

ધુળેટીના દિવસે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 20 ટકાથી વધુ ઈમર્જન્સી કેસો જોવા મળી શકે છે. 108 એમ્બ્યુલન્સની સેવામાં 838 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને એક એમ્બ્યુલન્સ છે. 108ના કોલ સેન્ટરમાં રજા દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ છે. PRO, ERC ફિઝિશિયન સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.