અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6000થી વધુ કેસો નોંધાયા હતા. આ સાથે અમદાવાદમાં પણ કોરોનાના નવા કેસો 1900થી વધુ નોંધાયા હતા. અમદાવાદના સ્મશાનોમાં મૃતદેહોને અગ્નિદાહ આપવા લાંબી કતાર લાગી છે. 200 બેડની કોરોના ડેઝિગ્નેટેડ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક બાજુ કોરોના દર્દીઓને દાખલ કરવા માટે લાઇન લાગી છે તો બીજી બાજુ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ મેળવવામાં સ્વજનોને ઘણો સમય લાગે છે. આ ઉપરાંત તેમને સ્માશાનમાં લઈ જઈને અગ્નિદાહ આપવામાં પણ 10-12 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. એક કોરોના દર્દીના સગાએ અમને જણાવ્યું હતું કે અમે સવારના સાત કલાકથી આવી ગયા છીએ અને બે કલાક સુધી મૃતદેહ ઘરની બહાર લાઇનમાં ઊભા હતા. તેમને અગ્નિ સંસ્કાર માટે કઈ રીતે લઈ જવા, કારણ કે શબ વાહિનીઓ પણ ખૂટી પડે તેવી સ્થિતિ હતી, એમ તેમણે કહ્યું હતું. તેઓ વાડજ સ્મશાને પહોંચ્યા તો ત્યાં પણ 10 જેટલાં વાહનો મૃતદેહોને લઈ અગ્નિ સંસ્કાર માટે પોતાનો નંબર આવે તેની રાહ જોતા ઊભા હતા.
સ્મશાનમાંથી કહેવામાં આવ્યું હતું કે તેમણે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે બીજા 10થી 12 કલાકની રાહ જોવી પડશે. અધિકારીઓએ કહ્યું કે સતત કોરોના મૃતદેહોના આવવાના કારણે સ્થિતિ ખૂબ જ વિપરીત બની ગઈ છે. સાધારણ રીતે એક શરીરને બાળવા માટે આશરે એક કલાક જેટલો સમય જોઈએ છે. તેથી જો સ્મશાનમાં બે ચેમ્બર હોય તો પણ છઠ્ઠા નંબરે રહેલા વ્યક્તિના મૃતદેહને આશરે બે કલાક જેટલો સમય રાહ જોવી પડે છે.