રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ, ઝડપી અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બ્યુરોક્રેસીમાં મોટો ફેરફાર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, 28 IAS અધિકારીઓ ઉપરાંત ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના Class-1 (સિલેક્શન/સીનિયર સ્કેલ) કેડરના 13 વરિષ્ઠ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફાર હેઠળ વિવિધ સરકારી નિગમો, જિલ્લા કચેરીઓ, મહાનગરપાલિકાઓ અને મહત્વના વિભાગોમાં અનુભવી અધિકારીઓને નવી જવાબદારીઓ સુપ્રત કરવામાં આવી છે.

નિગમો અને ગ્રામ વિકાસ વિભાગમાં નવી કમાન

જાહેર કરાયેલા આદેશ અનુસાર, સંગઠનાત્મક અને વહીવટી કામગીરીને વેગ આપવા મહત્વના નિગમોમાં નિમણૂકો કરાઈ છે:

GIDC: વી. કે. પટેલને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

ટૂરિઝમ કોર્પોરેશન: વાય. એસ. ચૌધરીને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.

ગ્રામ વિકાસ અને પંચાયત: એ. કે. પ્રજાપતિને અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે જી. વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરીની જવાબદારી સોંપાઈ છે.

અન્ન અને નાગરિક પુરવઠો: ડી. એન. સાતાણીને ગાંધીનગર ખાતે સિવિલ સપ્લાય્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.

રમતગમત, ખાણ-ખનીજ અને કલેક્ટર કચેરીઓમાં ફેરફાર

રાજ્યના વિવિધ વિભાગો અને જિલ્લા સ્તરે પણ સત્તાવાર બદલીઓ કરવામાં આવી છે:

ખાણ-ખનીજ અને રમતગમત: એ. કે. કલસારિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરીમાં OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) બનાવવામાં આવ્યા છે, જ્યારે કે. બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગ કચેરીમાં એડિશનલ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી નીમવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા અને કલેક્ટરાલય: ગાંધીનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પી. સી. દવે અને બી. આર. અહીરની નિમણૂક કરાઈ છે. વલસાડમાં કે. એસ. ડાભી અને અમરેલીમાં એ. એ. ડોડિયાને રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) ની કમાન સોંપાઈ છે. જ્યારે ડી. એમ. ગોહિલને સુરતમાં વિશલેષણ કમિટીના જોઈન્ટ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

સરકારના મતે, વહીવટી તંત્રના વિવિધ ક્ષેત્રોમાં દીર્ઘ અનુભવ ધરાવતા અધિકારીઓની સુયોગ્ય સ્થળે નિમણૂક કરવાથી સરકારી યોજનાઓનું અમલીકરણ વધુ ઝડપી બનશે અને સામાન્ય નાગરિકોના કામોમાં સુગમતા આવશે. તમામ અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતાનો નવો પદભાર સંભાળી લેશે.

28 IASમાંથી કોને ક્યાં મૂક્યા?

13 GAS કેડરના અધિકારીઓની બદલી