સ્કૂલમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે ગુજરાત સરકારની કાર્યવાહી

ગુજરાતમાં શાળામાં ચાલુ ફરજે છુમંતર થયેલા શિક્ષકો સામે સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં શાળામાંથી ગાયબ થયેલા અથવા તો સસ્પેન્ડ થઈને ઘરે બેઠા પગાર મેળવતા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે શાળામાં ગેર હાજર રહેતા 134 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ કેટલાક શિક્ષકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આણંદ,કચ્છ અને રાજકોટના શિક્ષક સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં 18, છોટાઉદેપુરમાં 16 અને અન્ય જિલ્લાઓમાં પણ સસ્પેન્ડ થયેલાને બરતરફ ઓર્ડર પકડાવવામાં આવ્યાં છે.

70 માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ

ગુજરાતમાં શાળામાં ફરજ હોવા છતાં કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં સ્થાઈ થઈ ગયાં છે. આવા શિક્ષકો સામે ફરિયાદો ઉઠતાં સરકાર અને શિક્ષણ વિભાગ સફાળો જાગ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાંથી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ અને 3ના રાજીનામા સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ છે.