ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતની 16 બેઠકો કે જ્યાં ખરાખરીની લડાઈ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એવી ઓછામાં ઓછી 16 બેઠકો હતી જેના પર જીત અને હારનું માર્જિન 3,000 વોટથી ઓછું હતું. તેની અસર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોના ભાવિ પર પડી હતી. આમાંથી સાત બેઠકો પર જીત અને હારનું અંતર એક હજારથી પણ ઓછું હતું. આ 16માંથી 10 બેઠકો ભાજપે જીતી હતી જ્યારે કોંગ્રેસે 6 બેઠકો જીતી હતી. બીજી તરફ વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મધુભાઈ રાઉતને કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ 170 મતોથી હરાવ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 170 મતોના માર્જિનથી જીત્યા

2017ની ચૂંટણીમાં વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પર સૌથી ઓછા માર્જિનથી વિજય થયો હતો. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ ભાજપના ઉમેદવાર મધુભાઈ રાઉતને 170 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે રાઉતને 92,830 વોટ મળ્યા જ્યારે ચૌધરીને 93 હજાર વોટ મળ્યા. ચૌધરીએ 2020 માં પક્ષ બદલી નાખ્યો હતો. ત્યારબાદ તેઓ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડ્યા હતા. આવતા મહિને યોજાનારી ચૂંટણીમાં ભાજપે તેમને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું હતું કે બહુજન સમાજ પાર્ટી (BSP) જેવા પક્ષો અને અપક્ષ ઉમેદવારોને મળેલા મોટી સંખ્યામાં મતોએ કોંગ્રેસની રમત બગાડી છે.

ભાજપના ઉમેદવાર સી.કે. રાઉલજી 258 મતથી જીત્યા

આવી જ એક બેઠક પંચમહાલ જિલ્લાનો મુસ્લિમ બહુમતી વિસ્તાર હતો. ભાજપના ઉમેદવાર સી.કે. રાઉલજીએ કોંગ્રેસના પ્રવીણ સિંહ ચૌહાણને 258 મતોની સરસાઈથી હરાવ્યા હતા. ગોધરા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાઉલજીને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે. આ સીટ પર NOTA અને BSPને લગભગ 4,000 વોટ મળ્યા. આ સિવાય બે અપક્ષ ઉમેદવારોને 20,000થી થોડા વધુ મત મળ્યા હતા.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 327 મતોની સરસાઈથી જીત્યા

2017માં ધોળકા બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 327 મતોની સરસાઈથી જીતવામાં સફળ રહ્યા હતા. ઘણા માને છે કે આ સીટ પર બીએસપી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને બે અપક્ષ ઉમેદવારોને લગભગ 11,000 મત મળ્યા હતા. જેણે ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અમિત ચૌધરીએ 2017માં પોતાનો પક્ષ બદલી નાખ્યો

ગાંધીનગરની માણસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલે ભાજપના યુવા નેતા અમિત ચૌધરીને 524 મતોથી હરાવ્યા હતા. ચૌધરીએ 2012 માં કોંગ્રેસની ટિકિટ પર આ જ બેઠક જીતી હતી, પરંતુ 2017ની ચૂંટણી પહેલા ભાજપ તરફ વળ્યા હતા.

સૌરભ પટેલને ટિકિટ મળી નથી

ડાંગ અનુસૂચિત જનજાતિ માટે અનામત અન્ય બેઠક હતી, જ્યાંથી ભાજપના ઉમેદવાર વિજય પટેલને કોંગ્રેસના મંગલ ગાવિત સામે માત્ર 768 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભૂતપૂર્વ ઉર્જા મંત્રી અને બોટાદ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલ 2017ની ચૂંટણીમાં 906 મતોની સરસાઈથી જીતવામાં સફળ રહ્યા હતા. તેમને 79,623 મત મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ ડી.એમ. પટેલને 78,717 મત મળ્યા હતા. પાર્ટીએ આ વખતે સૌરભ પટેલને ટિકિટ આપી નથી.

તેવી જ રીતે એવી ઘણી વધુ બેઠકો હતી કે જ્યાં જીત અને હારનું માર્જિન ઘણું ઓછું હતું. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.