ભારતીય તબલાવાદક અને ચાર વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા ઝાકિર હુસૈનને 67મા ગ્રેમી એવોર્ડ્સમાં શ્રદ્ધાંજલિ તરીકે આયોજિત ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવા અંગે સંગીત પ્રેમીઓએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. આયોજકોની આ મોટી ભૂલની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.
ગયા વર્ષે તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ મળ્યા હતા
રવિવારે લોસ એન્જલસના Crypto.com એરેના ખાતે આયોજિત આ સમારોહમાં છેલ્લા એક વર્ષમાં અવસાન પામેલા દરેક કલાકારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઝાકિર હુસૈન ગયા વર્ષે ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનારા પહેલા ભારતીય સંગીતકાર હતા. ઝાકીર હુસૈનનું 15 ડિસેમ્બર 2024ના રોજ 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસને કારણે અવસાન થયું હતું.
ભૂલ પર લોકો ગુસ્સે થયા
ગ્રેમીના ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં જ્યારે મૃત્યુ પામેલા કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી ત્યારે ઝાકિર હુસૈનનું નામ ગાયબ હતું. આ એક એવી ભૂલ હતી જેનો ભારતીય અને આંતરરાષ્ટ્રીય ચાહકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી અને રેકોર્ડિંગ એકેડેમીને ટેગ કરીને આ ભૂલ અંગે પ્રશ્નો ઉભા કર્યા.
લોકોએ તીવ્ર પ્રતિક્રિયા આપી
એક યુઝરે લખ્યું, “ગ્રેમીના શોક સંદેશમાં ઝાકિર હુસૈનનું નામ કેવી રીતે નહોતું? તે ગયા વર્ષના વિજેતા હતા. જ્યારે બીજા યુઝરે કહ્યું, “આ ખરેખર એક મોટી ભૂલ છે. મેં શ્રદ્ધાંજલિ સેગમેન્ટમાં ઝાકીર હુસૈનનું નામ રેકોર્ડિંગ એકેડેમીમાં જોયું નથી.” બીજી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ચાર વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા અને અનેક વખત નામાંકિત કલાકાર ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિમાં સામેલ ન કરવા ખરેખર શરમજનક છે.”
અનેક કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
આ વર્ષના ગ્રેમી એવોર્ડ સમારોહમાં ઘણા મહાન સંગીતકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં લિયામ પેન, ક્રિસ ક્રિસ્ટોફરસન, સિસી હ્યુસ્ટન, ટીટો જેક્સન, જો ચેમ્બર્સ, જેક જોન્સ, મેરી માર્ટિન, મેરિયાન ફેથફુલ, સેઇજી ઓઝાવા અને એલા જેનકિન્સ જેવા દિગ્ગજોના નામનો સમાવેશ હતો. આ પ્રસંગે ક્રિસ માર્ટિને તેમના બેન્ડ કોલ્ડપ્લેના ભારત પ્રવાસથી પાછા ફર્યા બાદ ‘ઇન મેમોરિયમ’ શ્રદ્ધાંજલિ રજૂ કરી. આ સમય દરમિયાન તેમની સાથે ગિટારવાદક ગ્રેસ બોવર્સ પણ હતા.