ટોલ ટેક્સ માટે સરકારની માસિક, વાર્ષિક પાસની વિચારણા

પુણેઃ દેશમાં ખાનગી વાહનચાલકોને ટોલટેક્સમાં છૂટ મળે એવી શક્યતા છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ સંકેત આપ્યા હતા. ખાનગી વાહનો માટે માસિક કે વાર્ષિ પાસ આપવા પર વિચાર ચાલી રહ્યો છે. જો આવું થશે તો ખાનગી વાહનચાલકોને ઓછા ટોલ ટેક્સની ચુકવણી કરવી પડશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે કુલ ટોલ કલેક્શનમાં ખાનગી વાહનોનો હિસ્સો માત્ર 26 ટકા જ છે અને 74 ટકા હિસ્સો કોમર્શિયલ વાહનોનો છે, તેથી પાસ સિસ્ટમથી સરકારને કોઇ નુક્સાન નથી. તેમનો ગ્રામજનોને તેમની અવરજવરમાં કોઈ અડચણ ના આવે તે માટે ગામડાઓની બહાર ટોલ કલેક્શન બૂથ બનાવવામાં આવશે.

તેમના મંત્રાલયે વધારાની સુવિધા તરીકે નેશનલ હાઇવે પર ફાસ્ટેગની સાથે ગ્લોબલ સીમલેસ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ વર્તમાન ટોલ કલેક્શન સિસ્ટમ કરતાં વધારે સારી હશે, એમ તેમણે કહ્યું હતું.

કર્ણાટકમાં નેશનલ હાઇવે NH-275ના બેંગલૂરું-મૈસુર વિભાગ અને હરિયાણામાં NH- 709ના પાણીપત હિસાર વિભાગ પર GNSS આધારિત યુઝર ફી કલેક્શન સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

વર્ષ 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટનો હતો તે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન ફાસ્ટેગની રજૂઆત સાથે ઘટીને 47 સેકન્ડ થઇ ગયો છે. આમ વાહનો માટે ટોલ પ્લાઝા પર રાહ જોવાના સમયમાં ઘણો જ સુધારો થયો છે.