Google Doodle: સિંગર કેકેની યાદમાં ગૂગલે બનાવ્યું ડૂડલ

મુંબઈ: ગૂગલે આજે એટલે કે 25મી ઓક્ટોબરે કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે)ની યાદમાં એક ડૂડલ બનાવ્યું છે, જેમણે પોતાના સુરીલા અવાજથી લાખો લોકોને દિવાના બનાવ્યા હતા. ગૂગલ ડૂડલ (Google Doodle)એ આજે 1996માં આ દિવસે ફિલ્મ માચીસના ગીત “છોડ આયે હમ” સાથે પ્લેબેક સિંગર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર દિવંગત ગાયક કેકેને ડૂડલ દ્વારા યાદ કર્યા છે.

કેકેનો જન્મ 23 ઓગસ્ટ 1968ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી મલ કોલેજમાં અભ્યાસ કર્યો અને શરૂઆતમાં માર્કેટિંગમાં કામ કર્યું, પરંતુ પછીથી સંપૂર્ણપણે સંગીત તરફ વળ્યા. 1994 માં તેણે ઘણા ભારતીય કલાકારોને ડેમો ટેપ મોકલી, જેમાં તેમને પ્રથમ વખત જાહેરાતો માટે જિંગલ્સ ગાવાની તક મળી.

કેકેની હિન્દી સિનેમામાં સત્તાવાર શરૂઆત 1999માં ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના પ્રખ્યાત ગીત “તડપ તડપ” સાથે થઈ હતી. તે જ વર્ષે તેણે તેનું પહેલું આલ્બમ “પાલ” બહાર પાડ્યું, જેમાં ઘણા હિટ ગીતોનો સમાવેશ થાય છે જેણે તેને તરત જ લાઇમલાઇટમાં લાવી દીધા. કેકેએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

31 મે 2022 ના રોજ KK કોલકાતામાં એક સંગીત કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યા હતા. આ પછી જ્યારે તે હોટલ પહોંચ્યા તો બેભાન થઈ ગયા અને બેડ પર પડી ગયા. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.