ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઇટની દીવાલ મકાન પર ધસી પડતા પિતા-પુત્રનું મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયીની ઘટના તો ક્યાંક દિવોલ ધરાશાયી થવાના ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના ભરુચમાં બની છે.

ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નિર્માણાધીન પ્રોજેક્ટની કમ્પાઉન્ડ દિવાલ ભારે વરસાદને કારણે ઝૂંપડી પર ધસી પડતાં એક આદિવાસી પરિવારના બે સભ્યોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કાટમાળમાં ફસાયેલી પરિવારની બે મહિલાઓને સામાન્ય ઇજાઓ સાથે બચાવી લેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ભરૂચ શહેરના આલી માતરિયા વિસ્તારમાં વહેલી સવારે 2.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પરિવાર ગાઢ નિંદ્રામાં હતો.આ કરુણ ઘટનામાં પિતા-પુત્રનું મોત થયું છે. મૃતકોની ઓળખ અશ્વિન વસાવા (42) અને તેમના પુત્ર આશિષ વસાવા (22) તરીકે થઈ છે. જોકે, ફાયર વિભાગના અધિકારીઓએ વિશાળ કમ્પાઉન્ડ દિવાલ ઉપાડ્યા પછી અશ્વિનની માતા સોનુ ચીમન વસાવા (62) અને તેમની પત્ની શકુબેન અશ્વિન વસાવા (40) ને બચાવી લીધા હતા.

બંને મહિલાઓને નાની ઈજાઓ થઈ હતી અને તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભારે વરસાદથી દિવાલ નબળી પડી

ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પછી એકઠા થયેલા કાદવ અને પાણીના વજનનો સામનો ન કરી શકવાને કારણે કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હતી.”મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. અમે દિવાલ ઉંચકવા માટે JCB મશીનો અને લાઇટ લગાવવા માટે જનરેટરનો ઉપયોગ કર્યો હતો. સ્થળ પરથી ઘણો કાદવ કાઢવો પડ્યો હતો. અમે ઘટનાસ્થળેથી કાટમાળ દૂર કર્યો છે,” ગઢવીએ જણાવ્યું હતું.

ઘટના પછી પડોશના રહેવાસીઓ પરિવારને બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ તેઓએ પોલીસ અને ફાયર વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરી.

ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલે જણાવ્યું હતું કે, “અમે આ ઘટનાની તપાસ માટે માર્ગ અને મકાન વિભાગ, નાગરિક બાંધકામ વિભાગ જેવી વિવિધ એજન્સીઓને જોડશું. રિપોર્ટ તૈયાર થયા પછી, અમે યોગ્ય કાર્યવાહી કરીશું. હાલમાં, તપાસ ચાલુ હોવાથી કંઈ કહેવું મુશ્કેલ છે.”