સમગ્ર રાજ્યમાં આંખ આવવાની બિમારીએ ઉપાડો લીધો છે, હવે તો જ્યાં જોવો ત્યાં આંખના જ દર્દીઓ દેખાઈ રહ્યાં છે. છેલ્લા પંદર દિવસથી આંખ આવવાની બિમારી એટલે કે કન્જકટીવાઈટિસના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તમને એમ થતું હશે કે કેમ આમ અચાનક આ બિમારી આવી ચડી છે, તો ચાલો તેના વિશે જાણીએ.
આંખના વધતા જતા કેસોએ લોકોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. ત્યારે આંખ આવવાનું કારણ ડૉક્ટરોના જણાવ્યા મુજબ ભેજ જ છે. તેમનું કહેવું છે કે વધારે પડતા ભેજના કારણે જ આ ચેપ અત્યારે વધારે ફેલાઈ રહ્યો છે. આ ચેપ આમતો દર વર્ષે ચોમાસાની ઋતુમાં આવતો જ હોય છે, પરંતુ આ વર્ષે હવામાં વધારે પડતા ભેજના કારણે ચેપ જલ્દી ફેલાઈ રહ્યો છે. બેક્ટરિયા અને વાયરસ આ ભેજમાં સરળતાથી ફેલાતો હોવાથી કેસો વધી રહ્યા છે.
શું સાવચેતી રાખી શકાય?
- સ્વચ્છતા જાળવો, જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે ચશ્મા પહેરો.
- તમારો ટુવાલ અને કપડાં કોઈની સાથે શેર કરશો નહીં.
- ચેપગ્રસ્ત લોકોને શાળા, કોલેજ કે ઓફિસમાંથી રજા લેવા વિનંતી કરો.
આંખ આવે ત્યારે શું કરવું?
- આંખોને દિવસમાં બે વાર ઠંડા પાણીથી ધોઈ લો.
- આંખોના નિષ્ણાત દ્વારા કહેવામાં આવેલાં જ ટીપા નાખો.
- મેડિકલ સ્ટોર્સ દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ ન લેશો.
- કારણ કે મોટા ભાગની દુકાનોમાં સ્ટેરોઈડ વાળી દવાઓ આપવામાં આવી રહી છે, જેના કારણે સમસ્યા વધશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
આંખોનો ચેપ કેટલા દિવસ સુધી રહે છે?
- આંખનો ચેપ અત્યારે ખાસ કરીને 3 થી 5 દિવસ સુધી રહે છે. જો કે, ચેપ બીજી આંખમાં પણ થાય તો સાજા થવામાં વધુ દિવસો લાગી શકે છે.
- જ્યારે આંખનો ચેપ તમને લાગે છે ત્યારે તમારુ આખુ ઘર આ ચેપથી સંક્રમિક થઈ જતુ હોય છે, ત્યારે તમારે ખાસ ટુવાલ, ઓંશીકા, વોશ બેસિન વગેરે સ્વચ્છ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.