દેવબંદઃ મુઝફ્ફરનગર-સહારનપુરના હાઇવે પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે, જેમાં આખું બિલ્ડિંગ ધ્વસ્ત થયું હતું. આ ધડાકા સમયે ફેક્ટરની અંદર અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસના ગામમાં એનો અવાજ સંભળાયો હતો. આ ધડાકામાં આ શ્રમિકોનાં ચીથરાં ઊડી ગયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામીણોએ હાઇવે પર જામ કરી દીધો હતો. DM મનીષ બંસલ અને SSP રોહિત સિંહ સજવાણ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
નિહાલ ખેડી ગામમાં ફટકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી.
આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં આશરે નવ લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ધટના સ્થળે માનવ શરીરનાં ચીથરાં જોવા મળ્યાં છે. ઘણાના હાથ-પગ છૂટા પડી ગયા છે. અમુક લોકો ફેક્ટરીના બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયા હોવાની પણ આશંકા છે. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે અમુક લોકોના શરીરના ટુકડાં આશરે 200 મીટર દૂર સુધી જોવા મળ્યા હતા. ફોરેન્સિક ટીમ અને પોલીસ પહોંચી ચૂકી છે. ફેક્ટરીના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
