યુદ્ધવિરામ પછી પણ ગાઝા પર તાબડતોબ હુમલા, 10ના મોત

ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે 15 મહિનાથી વધુ સમય ચાલેલા યુદ્ધનો આજથી અંત આવ્યો છે. અમેરિકા, કતાર અને ઇજિપ્તના મહિનાઓના પ્રયાસો અને મધ્યસ્થી પછી આ શક્ય બન્યું. જોકે, ઇઝરાયલ હજુ પણ ગાઝા પર વિનાશ કરવાનું બંધ કરી રહ્યું નથી. આયોજિત યુદ્ધવિરામ શરૂ થયા પછી ઇઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલામાં 10 પેલેસ્ટિનિયનોને મારી નાખ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી હમાસ યુદ્ધવિરામની શરતો અનુસાર બંધકોને મુક્ત કરવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી ઇઝરાયલ હુમલાઓ બંધ નહીં કરે.

રવિવારે એક નિવેદનમાં, ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શહેરમાં ઇઝરાયલી હુમલામાં છ લોકો માર્યા ગયા છે, ઉત્તરી ગાઝામાં ત્રણ અને રફાહમાં એક વ્યક્તિ માર્યા ગયા છે, જ્યારે 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ અટકાયતીઓના નામ જાહેર નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામ શરૂ થશે નહીં, ત્યારબાદ આ હુમલો થયો. પેલેસ્ટિનિયન જૂથે વિલંબ માટે “ટેકનિકલ” કારણોને જવાબદાર ગણાવ્યા છે.

હમાસ આજે ત્રણ મહિલા બંધકોને મુક્ત કરશે

હમાસના પ્રવક્તાએ ટેલિગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલીકરણના પહેલા દિવસે મુક્ત થનારા ત્રણ ઇઝરાયલી બંધકોના નામ હમાસે જાહેર કર્યા છે. એક કલાકના વિલંબ પછી યુદ્ધવિરામ શરૂ થવાની સંભાવના બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કેદી વિનિમય કરારના ભાગ રૂપે અમે આજે ત્રણ મહિલા બંધકો – રોમી ગોનેન (24), એમિલી દામરી (28) અને ડોરોન શતનબાર ખૈરને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.