મુંબઈ – દેશના લોખંડી પુરુષ તરીકે પ્રખ્યાત થયેલા પ્રથમ કેન્દ્રીય ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર પુસ્તક ‘ધ મેન હુ સેવ્ડ ઈન્ડિયા’ પરથી એક મેગા વેબસીરિઝ બનાવવામાં આવનાર છે.
તે પુસ્તક હિંદોલ સેનગુપ્તાએ લખ્યું છે.
વેબસીરિઝનું શિર્ષક પણ ‘ધ મેન હુ સેવ્ડ ઈન્ડિયા’ જ રખાશે. આ જાહેરાત પ્રકાશ કંપની પેન્ગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ કરી છે.
આ સીરિઝનું નાટ્યરૂપાંતર સુનીલ બોહરા અને શૈલેષ આર. સિંહ કરશે, જેઓ ગેંગ્સ ઓફ વાસેપુર અને તનુ વેડ્સ મનુ જેવી બોલીવૂડ ફિલ્મોનાં નિર્માતા છે.
આ વેબસીરિઝમાં એ દર્શાવવામાં આવશે કે ગુજરાતના એક સામાન્ય પરિવારનો કિશોર કેવી રીતે બ્રિટનમાં અત્યંત અઘરી એવી કાયદાની પરીક્ષા પાસ કરે છે.
સરદાર પટેલે ભારતની આઝાદીની ચળવળમાં આપેલા યોગદાન ઉપર આ વેબસીરિઝમાં પ્રકાશ પાડવામાં આવશે. તેમજ મહાત્મા ગાંધી પાસેથી એમણે કેવી રીતે ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું એ પણ દર્શાવવામાં આવશે.
બોહરાએ કહ્યું કે, સરદાર પટેલનું જીવન, સમગ્ર વ્યક્તિત્વ તેમજ છૂટાછવાયા રાજ્યો-રજવાડાઓને અખંડ ભારતમાં જોડી દેવા માટે એમણે આપેલું યોગદાન મને હંમેશાં પ્રભાવિત કરી ગયું છે. હું પોતે જોધપુરનો છું એટલે એ ઘટનાક્રમ સાથે બીજા કોઈ કરતાં હું વધારે સારી રીતે સંકળાયેલો છે.