ભારતના નકશા પર ચાલવું ભારે પડ્યું ‘ખિલાડી’ અક્ષયકુમારને

નવી દિલ્હીઃ ફિલ્મ કલાકાર અક્ષયકુમારની મુશ્કેલી વધતી જાય છે. ગ્લોબમાં ચાલવાનો વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થયા પછી છત્તીસગઢના પેંડ્રા સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ થઈ છે. એ સાથે ગૃહ મંત્રાલયને પણ પત્ર મોકલીને કાર્યવાહીની માગ કરવામાં આવી છે.  એડવોકેટ વીરેન્દ્ર પંજાબીનું કહેવું છે કે અક્ષય કુમાર દ્વારા સોશિયલ મિડિયા પર ગ્લોબ પર બનેલા ભારતના નકશા પર જૂતાં પહેરીને ઊભા રહ્યાનો વિડિયો શૂટ કર્યો છે, જેનાથી લોકોની લાગણીઓ દુભાઈ છે.  

પેંડ્રા સ્ટેશનના નિવાસી એડવોકેટ વીરેન્દ્ર પંજાબીને પત્રની કોપી ગૃહ મંત્રાલયને પણ મોકલી છે, જેમાં લખીને કહ્યું છે કે અક્ષય કુમાર ઉર્ફે રાજીવ ભાટિયા રહેવાસી, પ્રાઇમ બીચ જુહુ-મુંબઈ (મહારાષ્ટ્ર) દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ, ફેસબુકમાં એક વિડિયો વાઇરલ કરવામાં આવ્યો છે, જેમાં વૈશ્વિક નકસામાં જૂતાં પહેલીને ભારત માતાના નકશા પર ઊભો છે. એનું આ પ્રકારે ભારત માતાના નકશામાં ઊભા રહેવું એ ભારતીય નકશાનું અપમાન છે. એનું આ કૃત્ય રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ દંડનીય છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે નકશામાં ભારતના નકશા પર ઊભા રહેલા અક્ષય કુમારનો ફોટો અને વિડિયોને ડિલિટ કરાવવામાં આવે. એની સાથે તેની સામે FIR નોંધીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.