‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટ્વિન્કલ ખન્નાએ મોટી મજાક ઉડાડી

મુંબઈઃ વિવેક અગ્નિહોત્રીની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સે’ રૂ. 331 કરોડનો વેપાર તો કર્યો છે, પણ બોક્સ ઓફિસ પર જ નહીં, લોકોના દિલોમાં પણ જગ્યા બનાવી છે. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને બતાવતી આ ફિલ્મની ચોતરફ પ્રશંસા થઈ રહી છે, પણ બોલીવૂડ અક્ષયકુમારની વાઇફ ટ્વિન્કલ ખન્નાએ આ ફિલ્મને લઈને પ્રતિક્રિયા આપી છે. તેણે આ ફિલ્મને લઈને મજાક કરી છે. તેણે મજાક કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે અન્ય ફિલ્મ પ્રોડ્યુસર અન્ય શહેરોનાં નામ પર ફિલ્મોનાં નામ રજિસ્ટર કરવા માટે દોડ લગાવી રહ્યા છે.

તેણે કહ્યું હતું કે એક પ્રોડ્યુસરની ઓફિસમાં મીટિંગમાં મને માહિતી મળી હતી કે આ ફિલ્મને ટ્રિબ્યુટ આપવા નવાં ફિલ્મ ટાઇટલ્સનું પૂર આવ્યું છે. હવે ‘અંધેરી ફાઇલ્સ,’ ‘ખાર-દાંડા ફાઇલ્સ’ અને અહીં સુધી કે ‘સાઉથ બોમ્બે ફાઇલ્સ‘ જેવાં નામ નોંધાવી રહ્યાં છે. તેણે મજાક કરતાં લખ્યું હતું કે તે પણ હવે ‘નેઇલ ફાઇલ’ નામથી એક ફિલ્મ બનાવવાનું વિચારી રહી છે. તેણે આ આઇડિયા તેની માતા ડિમ્પલ કાપડિયાની સાથે શેર કર્યો હતો.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચ, 2022એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારથી માંડીને તેમના પલાયનની વાર્તા છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકાર છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]