મુંબઈ – ધ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સંસ્થાએ કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’ની 13મી મોસમનું પ્રસારણ બંધ કરાવે, કારણ કે એમાં અશ્લિલતા છે.
સંસ્થાનું કહેવું છે કે કલર્સ ટીવી ચેનલ પર આવતા ટીવી શો ‘બિગ બોસ’ પ્રત્યે અમે આપનું તાત્કાલિક ધ્યાન દોરવા માગીએ છીએ. આ શોમાં અત્યંત અશ્લિલતા બતાવવામાં આવે છે અને ઘરમાં આવો શો જોવો મુશ્કેલ છે. વળી, આપણા દેશની પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોની પણ આ વિપરીત છે. ટીઆરપી તથા નફાની લાલચને કારણે આ શો દેશની સંસ્કૃતિની મજાક ઉડાવે છે, જે ભારત જેવા વિવિધતામાં એકતાવાળા દેશમાં ચલાવી ન શકાય.
આ શોનાં ‘Bed Friend Forever’ વિષયને અત્યંત વખોડવાલાયક છે અને તે ટેલિવિઝન વિશ્વના તમામ નૈતિક મૂલ્યોની વિરુદ્ધ જાય છે. આ શોનાં નિર્માતાઓ એ ભૂલી ગયા છે કે આ શો ટીવી પર પ્રાઈમ ટાઈમે આવે છે અને એવા સમયે આવે છે જ્યારે ઘરમાં તમામ વયનાં લોકો એ જોતાં હોય છે. હાલના શોએ નૈતિકતાની તમામ મર્યાદાને પાર કરી દીધી છે, એમ પણ સંસ્થાએ જણાવ્યું છે.
CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે કહ્યું છે કે દરેક એપિસોડની સેન્સર બોર્ડે ચકાસણી કરવી જોઈએ. શોમાં જે બતાવવામાં આવી રહ્યું છે એ સદંતર ખોટું છે. પરિવારજનો સાથે બેસીને આ શો જોવાનું મુશ્કેલ બની ગયું છે.