પ્રિયંકાની ફિલ્મ ‘વ્હાઈટ ટાઈગર’ને ઓસ્કર-નામાંકન મળ્યું

ન્યૂયોર્કઃ અભિનેત્રી અને નિર્માત્રી પ્રિયંકા ચોપરા-જોનસ તથા એનાં પતિ ગાયક-ગીતકાર-અભિનેતા નિક જોનસે ઓસ્કર એવોર્ડ્સ-2021ના નામાંકનોની સોમવારે વર્ચ્યુઅલી જાહેરાત કરી હતી. પ્રિયંકાની ફિલ્મ ‘વ્હાઈટ ટાઈગર’ને 93મા એકેડેમી એવોર્ડ્સ માટે નામાંકન મળ્યું છે. આ નામાંકન તેને ‘બેસ્ટ અડાપ્ટેડ સ્ક્રીનપ્લે’ કેટેગરી માટે મળ્યું છે. પ્રિયંકા અને નિકે 23 કેટેગરીઓમાં નામાંકનોની જાહેરાત કરી હતી. પોતાની જ ફિલ્મ નામાંકન માટે પસંદ કરાતાં અને એની જાહેરાત કરતાં થયેલી ખુશીને વ્યક્ત કરતાં પ્રિયંકા રોકી શકી નહોતી અને કહ્યું, “Yay!” ‘વ્હાઈટ ટાઈગર’ના લેખક અને દિગ્દર્શક છે રામીન બહરાની. પ્રિયંકા પોતે આ ફિલ્મની એક્ઝિક્યૂટિવ નિર્માત્રી પણ છે. તેણે ટ્વિટર પર આ સમાચારને શેર કર્યાં હતાં અને લખ્યું છે કે, ‘અમે હમણાં જ ઓસ્કર માટે નામાંકિત થયાં છીએ. અભિનંદન રામીન અને ટીમ ‘વ્હાઈટ ટાઈગર’ને. મારે જાતે જ નોમિનેશનની જાહેરાત કરવાની આવી એ તો ખૂબ જ વિશેષ અવસર બની ગયો. મને ખૂબ જ ગર્વ થાય છે.’

‘વ્હાઈટ ટાઈગર’માં પ્રિયંકા ચોપરા, રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવની ભૂમિકા છે. ફિલ્મનું નિર્માણ મુકુલ દેવરા અને રામીન બહરાનીએ કર્યું છે. પ્રિયંકા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ 2008માં પ્રસિદ્ધ થયેલી લેખક અરવિંદ અડીગાની આ જ શિર્ષક પરની નવલકથા પર આધારિત છે. પુસ્તકે મેન બૂકર પ્રાઈઝ જીત્યું છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર છે બલરામ હલવાઈ, જે ભજવ્યું છે આદર્શ ગૌરવે. બલરામ લક્ષ્મણગઢ ગામનો રહેવાસી હોય છે. તે ખૂબ સીધાસાદા માણસમાંથી સફળ ઉદ્યોગસાહસી બને છે. એની ઈચ્છા તો દિલ્હીના એક શ્રીમંતના ડ્રાઈવર બનવાની હતી, પણ બાદમાં એ પોતાની ફરિયાદનો બદલો લેવા માટે એની હત્યા કરે છે અને પોતાને ગુલામીમાંથી મુક્ત કરે છે. 125 મિનિટની અને અંગ્રેજી તથા હિન્દીમાં બનેલી આ ફિલ્મ આ વર્ષની 22 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવી હતી. 93મા ઓસ્કર એવોર્ડ્સ સમારંભનું આવતી 25 એપ્રિલે જીવંત પ્રસારણ કરવામાં આવશે.

(તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]