મુંબઈઃ અનૈતિક સંબંધ, રિલેશનશિપ્સ અને ખંડિત લગ્નજીવનના મુદ્દાઓને આધુનિક દ્રષ્ટિએ પ્રસ્તુત કરતી હિન્દી સિરિયલ ‘સાંસ’ 90ના દાયકામાં ટીવીના દર્શકોમાં લોકપ્રિય બની હતી. 1998ની એ સિરિયલે ટીવી પડદા પર કમબેક કર્યું છે. ‘ટાટા સ્કાય સિનિયર્સ’ ચેનલ પર આ શો ફરી પ્રસારિત કરાઈ રહ્યો છે.
આ શોનું લેખનકાર્ય અને દિગ્દર્શન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી નીના ગુપ્તાએ સંભાળ્યું છે. એમણે આ શોમાં મુખ્ય અભિનેત્રીનો રોલ પણ કર્યો છે. એમની સાથે આ શોમાં કંવલજીત સિંહ, કવિતા કપૂર, શગુફ્તા અલી, સુશ્મિતા દાન અને ભરત કપૂર જેવા અન્ય કલાકારો પણ છે.
90ના દાયકામાં આ શો એના સમયથી ઘણો આગળનો ગણાયો હતો. ભારતીય મહિલાની એક સ્થાપિત છાપને પડકારતી વાર્તા નીના ગુપ્તાનું સાહસી કદમ ગણાયું છે.
સિરિયલની વાર્તા કપૂર દંપતી – પ્રિયા (નીના ગુપ્તા) અને ગૌતમ (કંવલજીત સિંહ), એમના સગીર વયનાં બે સંતાનો – અકુલ અને મીઠીના આનંદભર્યા જીવન વિશેની છે. પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે ગૌતમને દોસ્તી થાય છે મનીષા (કવિતા કપૂર) સાથે. બંને જણ વચ્ચે અનૈતિક સંબંધ બંધાય છે અને ગૌતમ પ્રિયાને છોડી દે છે. બાદમાં એને મનીષા સાથે સમસ્યા ઊભી થાય છે. આવા સંજોગોમાં પ્રિયા પોતાની પહેચાન શોધવા મથે છે અને આખરે એ માટે લડી લે છે.
નીના ગુપ્તાએ પોતાનાં આ શોને ફરી નિહાળવા અને જૂની યાદને ફરી તાજી કરવાની પ્રશંસકોને સોશિયલ મિડિયા મારફત વિનંતી કરી છે અને સંદેશમાં લખ્યું છે કે, ”સાંસ’ પહેલા જોઈ હોય તો ફરી જુઓ, ન જોઈ હોય તો જોઈ લો અને ન જોવી હોય તો હું માત્ર એટલી જાણકારી આપું છું કે ટાટા સ્કાય નેટવર્ક પર ચેનલ નંબર 505 પર સોમવારથી શુક્રવાર બપોરે 12 વાગ્યે અને રાતે 9 વાગ્યે જુઓ ‘સાંસ”.