‘રામ લખન’ જોડીને મોટા પડદા પર ફરી લાવશે સુભાષ ઘઈ

મુંબઈ – નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘઈ જેકી શ્રોફ અને અનિલ કપૂરની ‘રામ લખન’ જોડીને રૂપેરી પડદા પર ફરી લાવવાના છે. પરંતુ નવી ફિલ્મ 1989ની સુપરહિટ ‘રામ લખન’ ફિલ્મની સીક્વલ નહીં હોય એવી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

નવી ફિલ્મ એક સામાજિક સંદેશ સાથેની એક ક્રાઈમ કોમેડી હશે. ફિલ્મનું નામ હશે ‘રામચંદ કિશનચંદ.’

આ ફિલ્મ 50ની ઉંમર વટાવી ચૂકેલા બે પોલીસ અધિકારી વિશેની હશે. આ બંને પાત્ર જેકી અને અનિલ ભજવશે. બંને જણ ‘રામ લખન’માં સાથે જોવા મળ્યા હતા અને 30 વર્ષ પછી તેઓ ફરી સાથે કામ કરશે.

નવી ફિલ્મમાં જેકી શ્રોફનું પાત્ર એક સરળ અને પ્રામાણિક અધિકારીનું હશે જ્યારે અનિલ કપૂરનું પાત્ર મોજીલા અને મસ્તીપ્રેમીનું હશે. મતલબ કે 50ની વયના અને જુદા જુદા રાજ્યમાંથી ભેગા થયેલા એક સારા અને એક ખરાબ પોલીસ અધિકારી વિશેની આ ફિલ્મ હશે.

સુભાષ ઘઈ 2014 પછી આ પહેલી વાર ફિલ્મ ડાયરેક્ટ કરશે. છેલ્લે એમણે ‘કાંચીઃ ધ અનબ્રેકેબલ’ ફિલ્મ બનાવી હતી. એમાં કાર્તિક આર્યન અને મિશ્તી મુખ્ય ભૂમિકાઓમાં હતાં, પરંતુ ફિલ્મ જરાય ચાલી નહોતી.

જેકી શ્રોફ અને અનિલ કપૂરે ‘રામ લખન’ ઉપરાંત બીજી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમ કે, ‘કાલા બાઝાર’, ‘ત્રિમૂર્તિ’, ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’, ‘પરિંદા’, ‘યુદ્ધ’, ‘અંદર બાહર’ અને ‘કભી ના કભી’.