બ્રાહ્મણો અંગે વિવાદાસ્પદ પોસ્ટ બદલ ગાયક લકી અલીએ હિન્દૂઓની માફી માગી

મુંબઈઃ બ્રાહ્મણ શબ્દ અબ્રામ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો એવો દાવો કરતી એક ફેસબુક પોસ્ટને કારણે વિવાદ થયા બાદ ગાયક લકી અલીએ હિન્દૂ લોકોની માફી માગી છે અને તે પોસ્ટને પોતાના ફેસબૂક એકાઉન્ટ પરથી હટાવી દીધી છે. મહાન ચરિત્ર અભિનેતા સ્વ. મેહમૂદના પુત્ર લકીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, બ્રાહ્મણ નામ બ્રહ્મામાંથી આવ્યું અને બ્રહ્મા શબ્દ અબ્રામ, અબ્રાહમ કે ઈબ્રાહિમમાંથી લેવામાં આવ્યો હતો. લકીએ વધુમાં એમ પણ લખ્યું હતું કે બ્રાહ્મણો ઈબ્રાહિમના વંશના છે. તેની આ પોસ્ટને કારણે વ્યાપકપણે આકરી ટીકા કરવામાં આવી હતી.

બાદમાં, લકી અલીએ તેની માફીમાં કહ્યું છે કે, એનો ઈરાદો કોઈને ગુસ્સે કરવાનો નહોતો. એણે વચન આપ્યું છે કે હવે પછી પોતે સોશિયલ મિડિયામાં પોસ્ટ મૂકતી વખતે ખૂબ જ તકેદારી રાખશે.