‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલરઃ બોલીવુડ હસ્તીઓએ વખાણ કર્યાં

મુંબઈઃ નિર્માતા કરણ જોહરે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે પુનરાગમન કર્યું છે. એમણે આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. બોલીવુડની અનેક હસ્તીઓને તે ગમ્યું છે અને ફિલ્મ જોવાની આતુરતા વ્યક્ત કરી છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ટ્રેલરનાં સોશિયલ મિડિયાના માધ્યમથી વખાણ કરનાર બોલીવુડ સિતારાઓમાં અનિલ કપૂર, કરીના કપૂર-ખાન, ભૂમિ પેડણેકર, શનાયા કપૂર, રકુલપ્રીત સિંહ, નિમ્રત કૌરનો સમાવેશ થાય છે.

કરીના કપૂરે લખ્યું છેઃ ‘આવી રહી છે બ્લોકબસ્ટર ફિલ્મ. ઘણી જ રમૂજી છે.’

નિમ્રત કૌરે લખ્યું છેઃ ‘ધમ્માલ. રાહ જોઈ શકાય એમ નથી. ભરપૂર મજા.’

ભૂમિ પેડણેકરે લખ્યું છેઃ ‘બહુ જ ગમ્યું. ધમ્માલ, મજા. ફિલ્મ જોવા આતુર થઈ છું.’

અનિલ કપૂર લખે છેઃ ‘પ્રેમ અને સંબંધ વિશે કરણ જોહર કરતાં વધારે સારી રીતે બીજું કોઈ દર્શાવી શકે એવું હું માનતો નથી. ટ્રેલર એક સપના જેવું લાગે છે.’

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત રોમેન્ટિક ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં જયા બચ્ચન, ધર્મેન્દ્ર, શબાના આઝમી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મમાં રણવીરે પંજાબી યુવક રોકી અને આલિયાએ બંગાળી યુવતી રાનીનો રોલ ભજવ્યો છે. બંને જણ એકબીજાંનાં પ્રેમમાં પડે છે અને લગ્ન કરવા પણ ઈચ્છે છે, પણ એમને એવું લાગે છે એમના પરિવારો એમના લગ્ન માટે સહમત નહીં થાય. તેથી બંને જણ નક્કી કરે છે કે તેઓ એકબીજાની જીવનશૈલી અને ઉછેરને સમજવા માટે એકબીજાનાં પરિવાર સાથે આવીને રહેશે. પરંતુ એવું લાગે છે કે બંનેની માતાઓ રોકી-રાનીનાં સંબંધને સ્વીકારશે નહીં. ટ્રેલરમાં રમૂજનો ડોઝ પણ છે.