રિશી કપૂર, નીતૂ કપૂર અમેરિકાથી એક વર્ષે મુંબઈ પાછાં ફર્યા

મુંબઈ – ન્યૂયોર્કમાં કેન્સર રોગની સારવાર લીધા બાદ અને સાજા થઈ ગયા બાદ બોલીવૂડ એક્ટર રિશી કપૂર આખરે આજે એમના પત્ની નીતૂ સિંહ-કપૂરની સાથે આજે વહેલી સવારે ભારત પાછા ફર્યા છે.

મુંબઈ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે બંને ખુશમિજાજમાં હતા. સ્વદેશ પાછાં ફરવાનો આનંદ એમનાં ચહેરા પર જોઈ શકાતો હતો.

રિશીએ ટ્વીટ કરીને પોતાના સ્વદેશાગમનની જાણકારી આપી છે.

રિશી કપૂર 2018ના સપ્ટેંબરમાં કોઈક અજ્ઞાત તબીબી કારણસર ન્યૂયોર્ક ગયા હતા.

બાદમાં ફિલ્મનિર્માતા રાહુલ રવૈલે એમના ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું હતું કે રિશી કપૂર હવે કેન્સર-મુક્ત થઈ ગયા છે ત્યારે બધી અટકળોનો અંત આવી ગયો હતો.

ત્યારબાદ રિશી કપૂરે એક મુલાકાતમાં કહ્યું હતું કે એમની તબીબી સારવાર હજી ચાલુ છે. એમણે કેન્સરને માત આપી છે, પરંતુ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હજી કરવાનું બાકી છે.

પોતાને કેન્સરના રોગ સામે લડવામાં મદદરૂપ થનાર પોતાના મિત્રો, પરિવારજનો તથા પ્રશંસકોનો 66-વર્ષીય રિશીએ આભાર માન્યો હતો. એમણે લખ્યું હતું કે, મારા આ કપરા સમયમાં નીતૂ મજબૂત રીતે મારી પડખે જ રહી, નહીં તો ફૂડ અને ડ્રિન્કની સમસ્યાનો સામનો એકલાએ કરવાનું મારા માટે મુશ્કેલ બની ગયું હોત.

રિશીએ એમનાં સંતાનો રણબીર અને રિધીમાની પણ પોતાની પડખે સતત રહેવા બદલ પ્રશંસા કરી છે.

કેન્સર સામેનો જંગ વિશે રિશીએ એવી માન્યતા વ્યક્ત કરી કે, ઈશ્વરે મને ધીરજ રાખતા શીખડાવ્યું છે. આ પહેલાં હું ક્યારેય ધીરજ રાખતો નહોતો. ઈશ્વરે આ રીતે મને ધીરજ રાખતા શીખડાવ્યું. સાજા થવું એ પ્રક્રિયા ધીમી હોય છે.

અનુપમ ખેરે રિશી-નીતૂને સ્વદેશાગમન માટે શુભેચ્છા આપી

ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે આજે સવારે કરેલા એક ટ્વીટને પગલે લોકોને ખબર પડી હતી કે રિશી કપૂર અને નીતૂ કપૂર ભારત પાછાં ફરી રહ્યાં છે.

અનુપમે લખ્યું હતું: ‘પ્રિય નીતૂ કપૂર અને રિશી કપૂર! ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ સુધી રહ્યા બાદ તમે ભારત પરત ફરી રહ્યાં છો ત્યારે તમારો પ્રવાસ સુરક્ષિત બની રહે એવી શુભેચ્છા. મને મિશ્ર લાગણીનો અનુભવ થાય છે. હું ખુશ છું અને સાથોસાથ દુખી પણ છું. તમારી ખોટ મને સાલશે. અહીં આપણો સમય આનંદપૂર્ણ રહ્યો. આભાર, પ્રેમ અને પ્રાર્થના.’

અમેરિકામાં રિશીને મળી આવેલા કલાકારોમાં શાહરૂખ ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપરા, કરમ જોહરનો સમાવેશ થાય છે.