અભિનેત્રી લીના આચાર્ય (30)નાં નિધનથી ટીવી-ઉદ્યોગમાં શોક

મુંબઈઃ જાણીતાં ટેલિવિઝન સિરીયલ અભિનેત્રી લીના આચાર્યનું કિડની ખરાબ થઈ જવાને કારણે ગઈ કાલે દિલ્હીમાં અવસાન નિપજ્યા બાદ ટીવી કલાકારો અને કસબીઓમાં શોકની લાગણી ફરી વળી છે. ‘સેઠજી’, ‘આપકે આજાને સે’, ‘મેરી હાનિકારક બીવી’ જેવી ટીવી સિરિયલો અને રાની મુખર્જી અભિનીત ‘હિચકી’ ફિલ્મમાં અભિનય કરનાર લીનાને એમનાં માતાએ પોતાની કિડનીનું દાન આપ્યા બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું તે છતાં અભિનેત્રી બચી શક્યાં નહીં. લીનાને લગભગ દોઢ વર્ષથી કિડનીની બીમારી હતી. તે એમની ત્રીસીની વયમાં હતાં.

રોહન મેહરા, વર્શિપ ખન્ના, અભિષેક ગૌતમ, અભિષેક ભાલેરાવ જેવા કલાકારોએ પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર લીના આચાર્યને શ્રદ્ધાંજલિ આપતા લખાણો પોસ્ટ કર્યા છે.

અભિનેતા રોહન મેહરાએ 2019માં ‘ક્લાસ ઓફ 2020’માં લીના સાથે અભિનય કર્યો હતો. એની યાદ તાજી કરતી એક તસવીર એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. એવી જ રીતે, અભિષેક ભાલેરાવે લીના સાથે પોતે વોટ્સએપ પર કરેલી ચેટનો સ્ક્રીનશોટ પણ દર્શાવ્યો છે.

https://twitter.com/mumbaiactor_/status/1330096822166183938