મુંબઈ – ‘અંધાધૂન’ ફિલ્મની ભૂમિકા માટે 2018ની સાલ માટે બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર આયુષમાન ખુરાનાની નવી ફિલ્મ આવી રહી છે ‘ડ્રીમગર્લ’. આ ફિલ્મનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આયુષમાન જુદા જુદા સ્ટેજ શોમાં સીતા અને રાધા જેવા સ્ત્રી પૌરાણિક કથા-પાત્રોની ભજવી રહ્યો છે જેને કારણે એના પિતા (અનુ કપૂર) એનાથી બહુ નારાજ છે.
ફિલ્મમાં ખુરાનાનું પાત્ર ત્યારે વળાંક લે છે જ્યારે એને સ્ત્રી ટેલીકોલર તરીકે કામગીરી બજાવવાની આવે છે જેમાં એણે પુરુષ ગ્રાહકોને ફોન પર પટાવવાનાં હોય છે. ટ્રેલરમાં ખુરાના લોભાવનારી છોકરી પૂજા બને છે. એને કોલ કરનાર પુરુષોમાં પોલીસ કોન્સ્ટેબલ (વિજય રાઝ), યુવક (આકાશ બેનરજી) અને એક મહિલા (નિધિ બિશ્ટ)નો સમાવેશ થાય છે.
ફિલ્મમાં ખુરાનાની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે નુસરત ભરૂચા અને એના દોસ્તનો રોલ કર્યો છે મનજોત સિંહે.
આ ફિલ્મનું શિર્ષક 1977માં આવેલી ફિલ્મ અને એ જ નામવાળા ગીતની યાદ અપાવે છે જે ફિલ્મમાં હેમા માલિની અને ધર્મેન્દ્રએ અભિનય કર્યો હતો.
આ ફિલ્મનું દિગ્દર્શન રાજ શાંડિલ્યએ કર્યું છે. એમની આ પહેલી જ ફિલ્મ છે. આ પહેલાં એમણે ‘ફ્રીકી અલી’ (2016) અને ‘ભૂમિ’ (2017)માં પટકથા લખી હતી.
કોમેડી ફિલ્મ ‘ડ્રીમગર્લ’ આવતી 13 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.
ગયા ડિસેંબરમાં આયુષમાને ‘ડ્રીમગર્લ’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું હતું જેમાં એ સાડીમાં સજ્જ થયો છે અને પગ સ્કૂટરની ઉપર રાખ્યા છે.
ફિલ્મની નિર્માતા કંપની છે બાલાજી મોશન પિક્ચર્સ.
ફિલ્મનું શૂટિંગ મથુરામાં કરવામાં આવ્યું છે.